બાવડાના જોરે પૈસા ઉઘરાવતી ટોળકીએ મારકુટ કર્યાની ફરિયાદ

ભુજ, તા. 15 : જમીનનો સોદો મોકૂફ રહ્યા બાદ ખરીદનાર અને વેચનાર વચ્ચે સમજૂતી થઇ ગઇ હોવા છતાં સૂથી પેટેના પૈસા કઢાવી આપનારે જ ખરીદનાર સાથે ધામ-ધમકી અને મારકુટની ઘટના આજે સાંજે કોડાય-માંડવી રોડ સ્થિત એસ્સાર પેટ્રોલપંપ પાસે બનતાં પોલીસ ફરિયાદ નોંધાઇ છે. પોલીસમાં લખાવેલી ફરિયાદ મુજબ માંડવીના રહેવાસી રમેશભાઇ મેઘજીભાઇ પિંડોરિયા (ઉ.વ. 38)એ દોઢેક વર્ષ પહેલાં રાયણના પરસોત્તમભાઇ પોકાર સાથે ડોણ સીમની સર્વે નં. 158વાળી જમીનનો સાટાકરાર કર્યા બાદ સૂથી પેટે રૂા. 18.50 લાખ આપ્યા બાદ જમીનમાં ટાઇટલમાં વાંધો થતાં સોદો મોકૂફ રહ્યો હતો. ત્યારબાદ સામાજિક રીતે બંને વચ્ચે સમાધાન થઇ ગયું હતું છતાં માંડવીના સલીમ કુરેજાએ રમેશભાઇને ફોન કરી પરસોત્તમભાઇ પાસેથી સૂથીના પૈસા કઢાવી આપવાનું કહેતાં રમેશભાઇએ ના પાડી હતી છતાં તે વારંવાર રમેશભાઇને ફોન કરતો. આજે માંડવીવાળા મામદ જતે રમેશભાઇને ફોન કરતાં કહ્યું કે, પૈસાનું શું થયું ? અને સાંજે ભુજ-માંડવી રોડના એસ્સાર પેટ્રોલપંપ પાસે મળવાનું નક્કી થયું હતું જ્યાં મામદ અને સલીમ તથા અજાણ્યા શખ્સો આવ્યા હતા અને ચૌદ લાખ રૂપિયા માગ્યા હતા. જેમાં રમેશભાઇએ કહ્યું કે, મારા અને પુરુષોત્તમભાઇને આપસમાં સમાધાન થઈ ચૂક્યું છે અને લેતી-દેતી બાબતે સમજી લેશું. જેથી ત્રણે ઉશ્કેરાઇ રમેશને ભૂંડી ગાળો ભાંડી થપાટો મારતાં લોકોને જોણું થયું હતું અને રમેશની સાથેના કુટુંબીજનોએ બચાવ કર્યો હોવાનું રમેશભાઇએ ફરિયાદમાં આક્ષેપ કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ બાવડાના જોરે પૈસા કઢાવવા અનેક ટોળકીઓ સક્રિય છે તેમાંની આ હોવાનું ચર્ચાઇ રહ્યું છે. આ ટોળકીએ દોઢ માસ પૂર્વે પણ આવી રીતે ધાક-ધમકીથી 12 લાખ રૂપિયા ઉઘરાવ્યા હોવાનું વર્તુળમાંથી જાળવા મળી રહ્યું છે. વધુમાં આ ટોળકી પાછળ એક ખાખી વર્દીધારીનું પણ પીઠબળ હોવાની ગંભીર બાબત સામે આવી રહી છે. જો આ અંગે તલસ્પર્શી તપાસ થાય તો રેલો પોલીસ સુધી પણ પહોંચવાની શક્યતા પણ જાણકારો જોઇ રહ્યા છે. 

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer