વરસાણા પાસે માસૂમ બાળકી ઉપર ગેંગરેપ

વરસાણા પાસે માસૂમ બાળકી ઉપર ગેંગરેપ
ગાંધીધામ, તા. 15 : અંજાર તાલુકાનાં વરસાણા નજીક આવેલી એક ખાનગી કંપનીની મજૂર વસાહતમાં 2 વર્ષીય માસૂમ બાળકી ઉપર સામૂહિક બળાત્કારના બનેલા બનાવથી ભારે ચકચાર પ્રસરી હતી. આવા જઘન્ય કૃત્યને અંજામ આપનારા બે શખ્સોની પોલીસે ધરપકડ કરી હતી. આ ચકચારી બનાવ અંગે પોલીસ પાસેથી મળતી વિગતો મુજબ વરસાણાની ઇસ્પાત કંપનીમાં ગઇકાલે રાત્રે આ હીન કૃત્ય આચરવામાં આવ્યું હતું. આ કંપનીમાં છેલ્લા ચારેક વર્ષથી કામ કરી અહીં જ શ્રમિક વસાહતમાં રહેનારા એક પરપ્રાંતીય દંપતીની બે બાળકીઓ છે. ગઇકાલે સાંજે કામથી પરત આવી મહિલાએ જમવાનું બનાવ્યું હતું. કામ પતાવીને તે પોતાની બે બાળકીઓ સાથે પોતાના રૂમ ઉપર સૂતી હતી ત્યારે આ મહિલાનો પતિ રાત્રે નોકરી ઉપર ગયો હતો. દરમ્યાન ગઇકાલે આ કંપનીમાં કાચો માલ ભરીને આવેલા ટ્રેઇલરના  ક્લીનરો એવા રાજસ્થાનના સબલુકુમાર ચૌહાણ અને ભરત મોહન ગામેતી નામના શખ્સો ત્યાં આવ્યા હતા. આ શખ્સોનું ટ્રેઇલર ઊભું હતું. તેનાથી થોડેક જ દૂર ભોગ  બનનાર બાળકી તેની માતા સાથે ઓરડીમાં સૂતી હતી. દરમ્યાન ગમે તે રીતે આ શખ્સો 2 વર્ષીય બાળકીને ઓરડીમાંથી બહાર બોલાવી ટ્રેઇલર નીચે લઇ ગયા હતા. જ્યાં આ નરાધમોએ બાળકીને પીંખી નાખી હતી. તેવામાં બાળકીની માતા જાગી જતાં અને પોતાની બાળકી નજરે ન પડતાં તેણે આસપાસના લોકો સાથે બાળકીની શોધખોળ કરી હતી. આ 5-6 લોકો બાળકીને શોધતાં-શોધતાં મુખ્ય દરવાજા પાસે જઇ સુરક્ષાકર્મીને પૂછી પરત આવી રહ્યા હતા.  તેવામાં ટ્રેઇલરની નીચે રહેલા આ નરાધમો બીકના માર્યા બાળકીને મૂકીને નાસવા માંડયા હતા અને તેવામાં બાળકી રડવા લાગતાં સૌ ચોંકી ગયા હતા. નાસવા લાગતા આ શખ્સોને લોકોએ પકડી પાડયા હતા.  બાળકીને પ્રથમ અંજાર અને વધુ સારવાર અર્થે ભુજ ખસેડાઇ હતી તેવું પોલીસે જણાવ્યું હતું. આ બંનેની પોલીસે ધરપકડ કરી તબીબી પરીક્ષણ સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે. માસૂમ બાળકી સાથે ગેંગરેપના આ બનાવે જિલ્લાભરમાં ચકચાર જગાવી હતી.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer