સંત કેશવ મૂળપ્રકાશ સામાજિક ક્રાંતિના પ્રણેતા

સંત કેશવ મૂળપ્રકાશ સામાજિક ક્રાંતિના પ્રણેતા
રામજી મેરિયા દ્વારા
ચોબારી (તા. ભચાઉ), તા. 15 : રવિભાણ સંપ્રદાયની સંત પરંપરાના સંત કેશવ મૂળપ્રકાશ સામાજિક ક્રાંતિના પ્રણેતા હતા તેવું અહીં તેમની 50મી નિર્વાણતિથિએ આયોજિત કાર્યક્રમમાં સંતોએ જણાવ્યું હતું. આ પ્રસંગે ગુજરાતભરમાંથી સંતો અને ભાવિકો ઊમટયા હતા. ચોબારી સત્સંગ મંડળ દ્વારા આયોજિત વિશેષ કાર્યક્રમમાં રાજકોટથી ગુરુગાદીના મહંત અમરશી બાપુ અને ડાયારામ સાહેબ, કુંવરમા ચારણ અને કુંવરબેન ચાવડા, સનિયારથી સંત કાળીદાસ , ઘોડાસર સંત બચુરામ આશ્રમથી નરેન્દ્રદાસ બાપુ અને વર્ષામા, દાણી લીમડાથી મહેન્દ્ર સાહેબ, અમદાવાદથી સંત દિલજિત અને લક્ષ્મણદાસ, ધમડકાના સંત પ્રવીણ સાહેબ, સંત ગોવિંદરામ સાહેબ સહિત કચ્છ, કાઠિયાવાડ અને ગુજરાતના સંતો-મહંતોએ કેશવ મૂળપ્રકાશ ગુરુના જીવનમાંથી  પ્રેરણા લઇ?તેમના પંથે ચાલવાની ટકોર કરી હતી. અધ્યાત્મની સાથેસાથે સંત કેશવ મૂળપ્રકાશે સમાજમાં વ્યાપ્ત કુરિવાજો, અંધશ્રદ્ધા, ભૂવા ભરાડીઓના ભૂતથવ અળગા રહી અનુયાયીઓને સામાજિક ક્રાંતિ લાવવા વરસો પહેલાં હિમાયત કરી હતી. નાતજાત-પંથ અને ધર્મના ભેદ ભૂલી માનવ સમાજને એક તાંતણે જોડવાનું કામ વરસો પહેલાં આ મહાપુરુષે કર્યું હતું. ત્યારે હાલના સમયમાં પણ તેમનું જીવન કવન એટલું જ ક્રાંતિકારી સાબિત થયું છે તેવું સંતોએ સંતના જીવનની વાત કરતાં જણાવ્યું હતું. દિવસ અને રાતભર  યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાવિકો ઊમટયા હતા. સવારે શોભાયાત્રા, ધ્વજ આરોહણ, સંતોના સામૈયા તેમજ દિવસે  સામાજિક ક્રાંતિ પર સમાજના ક્રાંતિકારી યુવાનો દ્વારા વકતવ્યનું આયોજન કરાયું હતું. યુવાનો અને બાળકો દ્વારા  પણ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. રાત્રે સંતવાણી, સ્વરજ્ઞાન સભાનું આયોજન કરાયું હતું. સત્સંગમાં પધારેલા સંતાએ માનવજીવનને અતિ દુર્લભ ગણાવી હંમેશાં સત્યના પંથે ચાલવા શીખ આપી હતી. વર્તમાન યુગમાં પણ સંતો જીવન જીવવાની રાહ ચીંધતા હોવાનું જણાવી સંતોનું પરમાર્થી જીવન મેઘવાળ સમાજનું મસ્તક ઊંચું રાખનારું ગણાવી પ્રેરણા લેવા આહ્વાન કર્યું હતું. ચોબારી કેશવ મૂળપ્રકાશ ગુરુદ્વાર જ્ઞાન જ્યોતિ સત્સંગ મંડળ દ્વારા સૌ સંતો અને ભાવિકોને સત્કારવામાં આવ્યા હતા. અંજારના સંત રાણારામ દ્વારા ભોજન પ્રસાદમાં સહયોગ અપાયો હતો, તો અમદાવાદ કેશવ મૂળપ્રકાશ મંડળ દ્વારા ગુરુ મંદિરને વાસણની કિટ અર્પણ કરાઇ હતી. ધજાનો ચડાવો નટુભાઇ કાંઠેચાએ લીધો હતો.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer