ધ્રબમાં લગ્નના પ્રસંગ વચ્ચે ઘાતક હથિયારો વડે હુમલામાં બે જણ ઘવાયા

ધ્રબમાં લગ્નના પ્રસંગ વચ્ચે ઘાતક હથિયારો વડે હુમલામાં બે જણ ઘવાયા
મુંદરા, તા. 15 : તાલુકામાં જેની ગણતરી સંપીલા ગામ તરીકે થાય છે તેવા ધ્રબ ગામે લગ્નના પ્રસંગ દરમ્યાન જમીન વિશેની જૂની અદાવતમાં લોખંડની ટામી અને લાકડી સહિતના હથિયારો વડે હુમલો થતાં બે જણ ઘવાયા હતા. બનાવના પગલે પોલીસે તાત્કાલિક ધસી જઇ સ્થિતિ સંભાળી હતી.  બહાર આવેલી વિગતો અનુસાર આજે બપોરે એકાદ વાગ્યાના સુમારે લગ્નના જમણવાર દરમ્યાન આ મામલો બિચકયો હતો. ટામી અને લાકડીથી થયેલા હુમલામાં નૂરમામદ ફકીરમામદ તુર્ક (ઉ.વ.40) અને અસલમ ફકીરમામદ તુર્ક (ઉ.વ.30) નામના બે સગા ભાઇ જખ્મી થયા હતા. આ બન્નેને પહેલાં મુંદરા સારવાર અપાયા બાદ માથામાં ઇજાઓ હોવાથી વધુ સારવાર માટે ભુજ તબદીલ કરાયા છે.  પોલીસ સૂત્રોએ બનાવની પ્રાથમિક માહિતી આપતાં જણાવ્યું હતું કે દોઢેક વર્ષ પહેલાં જમીન બાબતે થયેલા ઝઘડાનો મુદ્દો આજના કિસ્સા માટે નિમિત્ત બન્યો હતો. જે તે સમયે આ પ્રકરણમાં સમાધાન પણ કરી લેવાયું હોવાનું જાણવા મળ્યું છે. આ વચ્ચે હુમલાનો આ કિસ્સો બન્યો હતો.  દરમ્યાન ઘટનાની જાણ થતાં મુંદરાના પોલીસ ઇન્સ્પેકટર એમ.એન.ચૌહાણ સ્ટાફના સભ્યો સાથે હોસ્પિટલ સહિતના સ્થળે દોડી ગયા હતા. પોલીસે તાબડતોબ યોગ્ય વ્યવસ્થા ગોઠવી હતી. બનાવ બાબતે ગુનો દાખલ કરવા સહિતની કાર્યવાહી હાથ ધરાઇ છે.  

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer