ભુજના હિલગાર્ડનમાં રોટરીના સહયોગથી બાલ સપ્તાહનો પ્રારંભ

ભુજના હિલગાર્ડનમાં રોટરીના સહયોગથી બાલ સપ્તાહનો પ્રારંભ
ભુજ, તા. 15 : રોટરી ક્લબ ઓફ ભુજના સહયોગથી જિલ્લાના પ્રા. શાળાનાં બાળકો માટે તા. 14થી 24 દરમ્યાન યોજાનાર બાલ સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત આજે રોટરી હોલ ભુજ મધ્યે બાલ નાટકથી શરૂઆત કરવામાં આવી હતી. આ અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સંજય પરમાર તથા રોટરી ક્લબ ઓફ ભુજના પ્રમુખ પ્રફુલ્લ ઠક્કરે વિગતો આપતાં જણાવ્યું હતું કે, પ્રારંભે પાટવાડી ગ્રુપ શાળાના ધાત્રીબેન મુનશી દ્વારા પ્રાર્થનાથી પ્રથમ શરૂઆત કર્યા બાદ રોટરી ચેરિટેબલ ટ્રસ્ટના મેનેજર નવીનભાઇ કંસારાએ આ દિવસો દરમ્યાન ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને હિલગાર્ડનમાં વિનામૂલ્યે એન્ટ્રી તથા સિલેક્ટેડ રાઇડ્સમાં 50 ટકા કન્સેશનની જાહેરાત કરી હતી. ડી.ઇ.ઓ. રાકેશભાઇ વ્યાસ દ્વારા રોટરીના આયોજનને બિરદાવી બાળકોને લાભ આપવા બદલ અભિનંદન આપ્યા હતા. જિ.પ્રા. શિ. નીલેશભાઇ ગોરે કાર્યક્રમની રૂપરેખા આપી હતી, જ્યારે જિલ્લા પ્રા. શિક્ષણ અધિકારી શ્રી પરમારે ઉપસ્થિત સીઆરસી/બીઆરસી મિત્રોને જિલ્લાની વધુમાં વધુ સરકારી -ખાનગી પ્રા. શાળાના બાળકો લાભ લે અને રોટરી સંસ્થાના કાર્યને સાર્થક બનાવવા હાકલ કરી હતી. સરકારી શાળાઓ સંસ્થાના માધ્યમથી બાલદિનની ઉજવણી કરતી હોય તેમાં કચ્છ મોખરે છે તેવી વાત કરી હતી. પાટવાડી ગ્રુપ શાળાના આચાર્ય રાજેશભાઇ ગોર તથા શિક્ષકોના માર્ગદર્શન હેઠળ જીવરામ ભટ્ટ આધારિત નાટકે સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. સંસ્થાના પી.ડી.સી. મોહનભાઇ શાહ, ના.જિ.શિ.પ્રા.શિ. ખટારિયાભાઇ, ટીપીઇઓ મહેશભાઇ પરમાર,  હરિભા સોઢા તથા સી.આર.સી./બી.આર.સી. શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન રોટરીના પરાગભાઇ ઠક્કર તથા આભારવિધિ સંસ્થાના મંત્રી ઉર્મિલ હાથીએ કર્યા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer