ભુજમાં કિર્તન આરાધનામાં ભાવિકો જોડાયા

ભુજમાં કિર્તન આરાધનામાં ભાવિકો જોડાયા
ભુજ, તા. 15 : પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ નિમિત્તે પાંચ વર્ષ સુધી સંસ્થા દ્વારા સત્સંગ પોષક વિવિધ કાર્યક્રમો દરેક કેન્દ્રોમાં યોજવાની અવિરત શ્રૃંખલા ચાલી રહી છે. તેના એક મણકામાં ભુજ મંદિર ખાતે કિર્તન આરાધના સહિતનો કાર્યક્રમ યોજાયો હતો. બેપ્સ સ્વામિનારાયણ ગુરુકુળ ગોંડલના સ્વામી નૈષ્ઠિકવ્રતદાસના માર્ગદર્શનમાં ગુરુકુળના બાળકોએ ભક્તિસભર કિર્તનો રજૂ કર્યા હતા. નૈષ્ઠિકવ્રત સ્વામી છેલ્લા ઘણા વર્ષોથી ગોંડલ ગુરુકુળના બાળકોને સંગીતનું શિક્ષણ આપી રહ્યા છે. તેમના માર્ગદર્શનમાં બાળકો ઉત્તમ પ્રકારનું સંગીત શીખી સંસ્થાના વિવિધ કેન્દ્રોમાં કાર્યક્રમો કરી રહ્યા છે. આ બાળકોએ સુમધુર કંઠે ગાયેલા ગીત-સંગીતની સીડી-ડીવીડી પણ સંસ્થા દ્વારા પ્રકાશિત કરી અક્ષર બુક સ્ટોલમાં ઉપલબ્ધ કરાવાઈ છે. ભગવાન સ્વામિનારાયણના સમયના નંદસંતો રચિત વિવિધ કિર્તનો, મૂર્તિના પદો, ગુરુવંદનાના ભજનો બાળકોએ રજૂ કરી ઉપસ્થિતોની વાહ વાહ મેળવી હતી. ધોરણ 8થી 12ના આ વિદ્યાર્થી બાળકો તેમના ઉત્તમ અભ્યાસ-વાંચન ઉપરાંત વિવિધ કળામાં પણ નિપુણતા પ્રાપ્ત કરી રહ્યા છે. ભુજ ઉપરાંત અગાઉ માંડવી-નાગલપર ખાતે પણ બાળકોએ કિર્તન આરાધના રજૂ કરી હતી. કાર્યક્રમમાં ભક્તજનોએ સંગીત માણ્યું હતું. સંગીત સાજ-સાજિંદા સહિતનો સહયોગ પણ બાળકોએ જ આપ્યો હતો. વ્યવસ્થા પરમ ચૈતન્ય સ્વામી તથા કોઠારી વિવેકમંગલ સ્વામીના માર્ગદર્શનમાં કાર્યકરોએ સંભાળી હતી.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer