ઢોરીના પશુપાલક સાથે ભેંસોના સોદામાં 28.13 લાખની ઠગાઇ કરાતાં ફરિયાદ

ભુજ, તા. 15 : તાલુકાના ઢોરી ગામના ધનજી બીજલ વેરા નામના વારોતરા આહીર જ્ઞાતિના પશુપાલક સાથે ભેંસોનો સોદો કર્યા બાદ રૂપિયા ન આપીને 28,12,500ની છેતરપિંડી કરાયાની ફરિયાદ પોલીસ દફતરે ચડી છે. ભુજ બી. ડિવિઝન પોલીસે આપેલી માહિતી મુજબ ઢોરીના આ પશુપાલકે આ મામલે આજે સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના રામપરડા ગામના માધુભા ભીખુભા કરમડા તથા તેની સાથેના રાજેશભાઇ તરીકે ઓળખાવાયેલા શખ્સ અને એક અજાણ્યા શખ્સ સામે વિવિધ કલમો તળે ગુનો દાખલ કરાવ્યો હતો. ફરિયાદમાં લખાવાયા મુજબ આરોપીઓએ કચ્છમાં આવી ફરિયાદી સાથે તેમની ભેંસોનો સોદો કર્યો હતો. આ પેટે આપવાના થતા રૂા. 28.13 લાખ ચાલો સાથે ગામે જઇને આપી દઇશું તેવું કહીને તેમણે ભેંસોનો કબજો લઇ લીધો હતો. આ પછી રૂપિયા ન આપી તેમણે ઠગાઇને અંજામ આપ્યો હતો. પોલીસ ઇન્સ્પેકટર વી.કે.ખાંટે કેસની તપાસ હાથ ધરી છે.  

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer