ઉઠમણું કરી ગયેલા ભુજના પા.પુ. બોર્ડ કર્મચારી સામે 5.60 લાખની ફોજદારી

ભુજ, તા. 15 : સમાજના વિવિધ વર્ગના લોકો પાસેથી લાખો રૂપિયાની ઉચાપત અને ઠગાઇ કરીને રફુચક્કર થઇ ગયેલા અત્રેના વ્યવસાયે પાણી પુરવઠા બોર્ડના કર્મચારી રાજેશ પ્રેમજીભાઇ ઠક્કર અને તેની પત્ની કલ્પનાબેન સામે રૂા. 5.60 લાખની રકમની છેતરપિંડી કરવા બાબતે ફોજદારી ફરિયાદ નોંધાવાઇ છે. શહેરમાં સરપટ નાકા બહાર ત્રંબકેશ્વર મંદિર પાસેના શિવનગરમાં રહેતા નીતિન વિઠ્ઠલદાસ ગોર દ્વારા આજે ભુજમાં રઘુવંશી નગરમાં રહેતા રાજેશ ઠક્કર અને તેની પત્ની કલ્પનાબેન સામે વિવિધ કલમો તળે આ ફરિયાદ દાખલ કરાવાઈ હતી. ફરિયાદને ટાંકીને પોલીસ સૂત્રોએ આ વિશેની વિગતો આપતાં જણાવ્યું હતું કે, ફરિયાદી પાસેથી આરોપીએ સંબંધના નાતે રૂા. અઢી લાખ ઓરીએન્ટલ બેન્ક ઓફ કોમર્સના ચેકથી ઉછીના લીધા હતા. આ ઉપરાંત આરોપી રાજેશ વીશી ચલાવતો હોઇ તેના ત્રણે હપ્તા પેટે ફરિયાદીએ રૂા. 34850 રોકડા ભર્યા હતા.  તદઉપરાંત આરોપીએ તેની પત્ની કલ્પનાબેનના નામે શરૂ કરેલી સહજાનંદ એન્ટરપ્રાઇઝની સુર્વણલક્ષ્મી નામની યોજનામાં પત્ની, પુત્ર, સાળી અને મિત્રોના નામે ફરિયાદીએ હજારના હપ્તા લેખે 25 મહિના સુધી રૂા. 2.75 લાખ ભર્યા હતા. આ પછી લીધેલી કોઇ રકમ પરત ન કરીને આરોપીએ કુલ્લ રૂા. 5,59,850ની ઠગાઇ કરી હોવાનું ફરિયાદમાં લખાવાયું છે.  આરોપીએ સુવર્ણલક્ષ્મી યોજનામાં જોડાયેલા અન્ય ગ્રાહકો સાથે પણ આ જ રીતે છેતરપિંડી કરી હોવાની વિગતો ફરિયાદમાં લખાવાઇ છે.  અત્રે ઉલ્લેખનીય છે કે વ્યવસાયે પાણી પુરવઠા બોર્ડનો કર્મચારી એવો આરોપી રાજેશ ઠક્કર છેલ્લા લાંબા સમયથી રફુચક્કર થઇ ગયો છે. સમાજના વિવિધ વર્ગના લોકોના એકાદ કરોડ રૂપિયા તેમાં સલવાયા હોવાની વિગતો ચર્ચાઇ રહી છે.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer