મહિલા ટી-20 : સુકાની ટેલરની બોલિંગથી આફ્રિકા સામે વેસ્ટ ઈન્ડિઝનો વિજય

સેંટ લૂસિયા, તા. 15 : સુકાની સ્ટેફની ટેલરની કારકિર્દીના શ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શનની મદદથી વેસ્ટ ઇન્ડિઝની મહિલા ટીમે ટી-20 વર્લ્ડ કપના ગ્રુપ એના ગઇકાલે રમાયેલી મેચમાં દ. આફ્રિકા સામે 31 રને જીત મેળવીને તેની સેમિની આશા જીવંત રાખી હતી. વર્તમાન ચેમ્પિયન કેરેબિયન ટીમની આ બીજી જીત છે. 108 રનના સામાન્ય વિજય લક્ષ્યાંકનો પીછો કરવા મેદાને પડેલી આફ્રિકાની મહિલા ટીમનો 76 રનમાં ધબડકો થયો હતો. આફ્રિકાની આખરી 9 વિકેટ માત્ર 28 રનમાં જ ડૂલ થઇ ગઇ હતી. વિન્ડિઝ સુકાની ટેલરે 12 રનમાં 4 વિકેટ લીધી હતી. આ વિજયથી વેસ્ટ ઇન્ડિઝની મહિલા ટીમ ગ્રુપ એમાં ટોચ પર આવી ગઇ છે. વિન્ડિઝે પહેલો દાવ લઇને કાસિયા નાઇટના 32 રનથી 7 વિકેટે 107 રન કર્યાં હતા. શ્રીલંકાની પહેલી જીત: શશીકલા શ્રીવર્ધનેના ઓલરાઉન્ડ પ્રદર્શનથી શ્રીલંકાએ આઇસીસી મહિલા ટી-20 વર્લ્ડ કપમાં બાંગલાદેશને 2પ રને હાર આપીને પહેલી જીતનો સ્વાદ માણ્યો હતો. શ્રીલંકાએ 20 ઓવરમાં 7 વિકેટે 97 રન કર્યાં હતા. જેમાં શશિકલાના 31 રન હતા. બાદમાં બાંગલાદેશની ટીમ 72 રનમાં ઓલઆઉટ થઇ હતી. શશિકલાએ બે વિકેટ લીધી હતી. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer