કચ્છમાં અકસ્માત-આપઘાતથી પાંચ જણે જીવ ગુમાવ્યા

ગાંધીધામ, તા.15 : ભચાઉ-સામખિયાળી ધોરી માર્ગ ઉપર આગળ જતા છકડાને ટ્રકે અડફેટે લેતાં વાંકાનેર મોરબીના શેરબાનુ અલીશા શેખ (ઉ.વ.60) નામના મહિલાનું મોત થયું હતું, તો અન્ય બે લોકોને ઈજાઓ પહોંચી હતી. આ જ તાલુકાના વિજપાસરમાં પાણીના ટાંકામાં પડી જતાં ચેતનાબેન ધરમશી ભુટક (ઉ.વ.20) નામની યુવતીએ છેલ્લા શ્વાસ લીધા હતા તો અબડાસાના કનકપરમાં ઝેરી મધમાખીએ ડંખ મારતાં બાબુલાલ રવજી રંગાણી (પટેલ) (ઉ.વ.60)નો જીવ ગયો હતો. અંજારના ચાંદ્રોડા નજીક બાઈક પરથી નીચે પટકાતાં મોટી ખાખરનાં પુરબાઈ કારાભાઈ ઉર્ફે માવજી મહેશ્વરી (ઉ.વ.47) નામના મહિલાએ જીવ ખોયો હતો. તેમજ ગળપાદર ત્રણ રસ્તા પાસે અજાણ્યા વાહનની હડફેટે નવતેજસિંઘ ગુરનામસિંઘ (ઉ.વ.40) નામના યુવાનનું મોત થયું હતું.  વાંકાનેરમાં રહેતા શેરબાનુ શેખ અને તેમનો 10 વર્ષીય પૌત્ર ભચાઉ ખાતે સંબંધીના ચાલીસમા પ્રસંગે આવ્યા હતા. આ કામ પતાવીને વૃદ્ધા તથા તેમનો પૌત્ર છકડા નંબર જીજે 12 એયુ 0201માં સવાર થઈને સામખિયાળી બાજુ જઈ રહ્યા હતા અને બાદમાં સામખિયાળીથી અન્ય વાહન પકડીને પોતાના ઘરે જવાના હતા. દરમ્યાન હોટેલ વે-વેઈટની  સામે આ છકડો પહોંચતાં પાછળથી આવનારી ટ્રક નંબર જીજે 12    ઝેડ 4723એ આ છકડાને  ટક્કર મારી હતી. જેમાં  વૃદ્ધાને ગંભીર ઈજાઓના પગલે તેમનું મોત થયું હતું. તો તેમના પૌત્ર અને અન્ય એક વ્યક્તિને ઈજાઓ પહોંચી હતી તેવું પોલીસે જણાવ્યું હતું.  બીજીબાજુ વિજપાસર ગામમાં અપમૃત્યુનો બનાવ બન્યો હતો. આ ગામમાં રહેનારી ચેતનાબેન નામની યુવતી ગઈકાલે પોતાના ઘરથી થોડે દૂર આવેલા પોતાના પ્લોટમાં કપડા ધોવા ગઈ હતી જ્યાં અન્ડર ગ્રાઉન્ડ પાણીના ટાંકામાંથી પાણી ખેંચતી વેળાએ નમતાં અચાનક ટાંકામાં પડી ગઈ હતી અને ડૂબી જવાથી તેનું મોત થયું હોવાનું પોલીસે કહ્યું હતું. બીજીતરફ અબડાસાના કનકપરમાં અપમૃત્યુનો વધુ એક બનાવ બન્યો હતો. ગામમાં રહેતા બાબુલાલ રંગાણી પોતાની વાડીએ ગયા હતા. આજે બપોરે વાડીએ મજૂરોને જોવા ગયેલા આ વૃદ્ધને પોતાની વાડીમાં ઝેરી મધમાખીએ ડંખ મારતાં તેમને ઝેરી અસર થઈ હતી તેમને સારવાર અર્થે ખસેડાતાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. મોટી ખાખરમાં રહેતા કારાભાઈ અને તેમના પત્ની પુરબાઈ અંજારમાં પોતાના સંબંધી બિમાર હોવાથી તેના ખબર-અંતર પૂછવા નીકળ્યા હતા. આ દંપતી બાઈક નંબર જીજે 12 બીટી 3517થી આવી રહ્યું હતું ત્યારે ચાંદ્રોડા નજીક પેટ્રોલ પમ્પ સામે કૂતરું આડું આવતાં મહિલા બાઈક પરથી  નીચે પટકાયા હતા જેમાં તેમને ગંભીર ઈજાઓ થતાં તેમનું મોત થયું હતું. વધુ એક અકસ્માતનો બનાવ ગાંધીધામના ગળપાદર ત્રણ રસ્તા મોટા પુલિયા નીચે બન્યો હતો. ટ્રેઈલર નંબર જીજે 12 એ.વાય. 7330નો ચાલક નવતેજસિંઘ અંજારથી ગાંધીધામ બાજુ આવી રહ્યો હતો. દરમ્યાન કોઈ અજાણ્યા વાહન સાથે અકસ્માત સર્જાતાં આ યુવાનને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી જેમાં તેનું મોત થયું હતું.  

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer