સ્થળાંતર કરી કોટડા (ચાં) પહોંચેલા સરાડા વિસ્તારના માલધારીઓની નવી મુસીબત

ભુજ, તા. 15 : બન્નીના સરાડા વિસ્તારમાંથી પોતાના પશુઓને બચાવવા સ્થળાંતર કરીને કોટડા (ચાં) વિસ્તારમાં પહોંચેલા માલધારીઓ ઊલટાની નવી મુસીબતમાં ફસાયા છે. પાંચેક હજાર પશુઓના ઘાસકાર્ડ તબદીલ કરાવવા રોજ કચેરીના ધક્કા ખાવા પડી રહ્યા છે. સરાડાથી કોટડા (ચાં) નદી વિસ્તારમાં પડાવ નાખીને દુષ્કાળના દિવસોમાં પશુઓને બચાવવા મથી રહેલા માલધારી જત ફકીરમામદ પુનરાએ ફોન પર પોતાની વ્યથા ઠાલવતાં કહ્યું કે, અમે દોઢ મહિનો થઈ ગયો અહીં આવી તો ગયા છીએ પરંતુ તંત્રની આંટીઘૂંટીમાંથી પસાર થવામાં અમને નાકે દમ આવી ગયો છે. સરાડામાં દોઢસો જેટલા માલધારીઓએ પોતાના ઘાસકાર્ડ બનાવ્યા છે પરંતુ ત્યાં પશુઓને બચાવવાનું મુશ્કેલ હોવાથી કોટડા (ચાં)માં નદી વિસ્તારમાં ઘાસ મળી રહે તેવી સંભાવના જોઈને અમે અહીં પડાવ નાખ્યો છે. દોઢ મહિનો થઈ ગયો છતાં અમારા ઘાસ કાર્ડ તબદીલ થયા નથી. રોજ મામલતદાર કચેરીમાં બેસાડી રાખવામાં આવે છે. હવે તો ઢોરો મરી રહ્યા છે છતાં અમારી કોઈ ધા સાંભળતું નથી.ઘાસ કાર્ડના સ્થળ ફેરફારની સામાન્ય કાર્યવાહી છે જે થતી નથી. અમને દોઢ મહિનો થયો ઘાસનો જથ્થો મળતો નથી. જેમ તેમ કરી ભટકીએ છીએ. પાંચ હજાર ઢોરોને હવે બચાવવાનો મોટો પડકાર છે એમ તેમણે પોતાની વેદના ઠાલવતાં કહ્યું હતું. 

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer