નાગલપર ગામે પાંચ કિ.મી. પાઈપ- લાઈન અને ટાંકો શોભાના ગાંઠિયા

નાગલપર (ગેડી) (તા. રાપર), તા. 15 : આ ગામના પાણી, રસ્તા, સ્વચ્છતા, મકાન સહાય અને શેરી લાઈટના પ્રશ્નોમાં ઉકેલવા રાપર મામલતદારને રજૂઆત કરાઈ હતી. ગેડી ગ્રામ પંચાયત નીચે આવતું નાગલપર એક જૂનું ગામ નકશામાં પણ બોલે છે. મુખ્યત્વે પ્રશ્ન પીવાના પાણીનો છે. ટેન્કર ત્રણ દિવસે આવે છે તે પૂરું પડતું ન હોવાથી કાયમી ટેન્કર આવે, જેથી વરસાદ ન હોવાથી ઢોર અને માણસોને પીવાનું પૂરતું પાણી મળે. 5ાંચ કિ.મી. પાઈપલાઈન નખાઈ છે. દેશલપરથી નાગલપર સુધી અને ઘરોઘર વાસ્મો દ્વારા પાઈપલાઈન પણ નખાઈ છે અને ત્રણ ટાંકા પણ બન્યા છે તે શોભાના ગાંઠિયા સમાન છે. કાયમી ઉકેલ માટે પાઈપલાઈન ચાલુ કરવામાં આવે તો પ્રશ્નનો ઉકેલ આવે તેવી રામજીભાઈ કોલીએ રજૂઆત કરી હતી. નાગલપરમાં પાકો રોડ પણ બની ગયો છે. વરસાદ આવે ત્યારે તળાવ ભરાઈ જાય તો આવવા- જવાની મુશ્કેલી ગામને ભોગવવી પડે છે, તો એ ઉકેલ માટે પાપડી બને અને અડધો કિ.મી. ગામ સુધી પાકો રસ્તો લંબાવવા માંગ કરાઈ હતી. સ્વચ્છતા અભિયાનની સરકાર વાતો કરી રહી છે ત્યારે ગામમાં એક પણ શૌચાલય બનાવવામાં આવ્યાં નથી તો એ પણ મળે તેવી માગણી કરી હતી. નાગલપરમાં મકાન સહાય બિલકુલ નથી મળી. ઈન્દિરા આવાસ, સરદાર આવાસ, વડાપ્રધાન મકાન સહાય યોજના દ્વારા એક પણ મકાન નથી મળ્યું. ઘણી વખત ફોર્મ ભરીને મુકાયાં પણ મંજૂરી નથી મળી. ગામમાં વીજળી હોવાથી શેરી લાઈટ નખાય તેવી ગ્રામજનોએ રજૂઆત કરી હતી. 

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer