લખપતના પાંચ ગામોની ચોરી થયેલી ભેંસનો પતો લાગતો નથી

ભુજ, તા. 15 : લખપત તાલુકાના પાંચ ગામોના માલધારીઓની ચોરી થયેલી ભેંસો અંગે યોગ્ય કાર્યવાહી કરવા નિર્દેશ આપવા રાજ્યના ગૃહમંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.  લખપત તાલુકાના કોરિયાણી,  સોનલપર,  કપુરાશી, ગુહર, તેહરા ગામના પશુપાલકોની 27 ભેંસો ચોરાયેલી છે. જે સંદર્ભે આ ભેંસોના માલિકો દ્વારા સ્થાનિક ના. સરોવર પોલીસ સ્ટેશનથી લઈ જિલ્લા પોલીસ અધીક્ષક તેમજ પોલીસ મહાનિરીક્ષકની કચેરી સુધી રજૂઆતો થઈ છતાં ચોરીના બનાવને ત્રણ માસ જેટલા સમયગાળા બાદ પણ કોઈ નક્કર પરિણામ મળ્યું નથી તે અત્યંત ખેદની બાબત છે તેવું પત્રમાં જણાવાયું હતું. રજુઆતોમાં ભેંસોની ચોરી અંગે સ્થાનિક ચોર ટોળકી  સંડોવાયા સાથે શકમંદોના નામ, સરનામા તથા મોબાઈલ નંબર સાથેની તમામ માહિતી પાઠવવા છતાં સ્થાનિક તેમજ જિલ્લાનું પોલીસતંત્ર ચોરીનો તાગ મેળવી તેમને ઝબ્બે કરવામાં ઊણું ઊતર્યું હોવાનો આક્ષેપ છે પોલીસ તંત્રની આવી ઢીલી નીતિ રીતિને કારણે શકમંદ ચોરો અન્યત્ર સ્થળાંતર કરી ગયા છે તથા ગરીબ ભેંસ માલિકોના ભાગે દુષ્કાળના કપરા સમયમાં રોજીરોટી ખોવાનો તથા તાલુકા જિલ્લાના પોલીસ મથકે રજૂઆતો માટે ધક્કા ખાવાનું નસીબે આવ્યું છે. બંને શકમંદોની અટકાયત સમયે તેમની યોગ્ય ઊલટ તપાસ કરી સમગ્ર ચોરી કૌભાંડમાં સ્થાનિક ગુનેગારો સંડોવાયેલા હોવા નો આક્ષેપ જિલ્લા કોંગ્રેસના પ્રવકતા પી.સી. ગઢવીએ ગૃહમંત્રીને લખેલા પત્રમાં જણાવ્યું હતું.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer