તંત્રની સૂચનાથી ઘાસનું વિતરણ થશે પણ રજૂઆતકર્તાને નહીં મળે

ભુજ, તા. 15 : તાલુકાના નારાણપર (રાવરી) વિસ્તારના માલધારીઓએ જણાવ્યું હતું કે, ઘાસ વિતરણની તેમની રજૂઆતને પગલે આદેશ અપાયા પણ સ્થાનિક તલાટીએ અગાઉના કાર્ડધારકોને આપવા પૂરતું હોવાથી રજૂઆતકર્તાઓને નહીં મળે તેવું જણાવતાં નિરાશા વ્યાપી હોવાની વ્યથા ઠાલવી હતી. નાયબ કલેક્ટર અછત શાખાને પશુપાલકો હાજી અદ્રેમાન ઈસ્માઈલ જત અને બિલાલ સુલેમાન સમાએ આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે છેલ્લા બે મહિનાથી ઘાસ વિતરણ કરાતું ન હોવાથી આ બાબતે લેખિત-મૌખિક રજૂઆતો છતાં દાદ ન અપાતાં ચીમકી આપી હતી કે બે દિવસમાં નારાણપર ગામે ઘાસ ડેપો શરૂ કરી ઘાસ વિતરણ નહીં કરાય તો નાછૂટકે કલેક્ટર કચેરી સામે ઢોરોને છૂટા મૂકી દેશું. અગાઉ રજૂઆતો સંદર્ભે માત્ર એક જ વખત અડધો દિવસ ઘાસનું વિતરણ કરાયું હતું. જેથી ઢોરોની હાલત દયનીય છે. 1500થી વધારે ઢોરોનો પ્રશ્ન છે. સત્વરે ઉકલે લાવવા અનુરોધ કર્યો હતો અને તલાટી ફોન ઉપાડતા ન હોવાની ફરિયાદ કરી હતી. બાદમાં કોંગ્રેસ અગ્રણી આદમ ચાકી અને નગર સેવક માલશી માતંગ સાથે મામલતદાર કચેરીએ અછત શાખામાં પણ રજૂઆત કરી હતી. અછત ડેપ્યુટી કલેક્ટરે મામલતદારને પોલીસ સાથે રાખી ઘાસ વિતરણ કરવા સૂચના આપતાં તેમણે મહિલા તલાટીને સૂચના આપી દીધી હોવાનું જણાવ્યું હતું અને ઉમેર્યું હતું કે, માથાકુટ થવાના કારણે ઘાસનું વિતરણ બંધ કરાયું હતું. 

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer