ગાંધીધામનું એકમાત્ર રમતનું મેદાન પોલીસ પરેડ માટે વપરાતાં ઊઠતો રોષ

ગાંધીધામ, તા. 15 : પંચરંગી એવા આ શહેરમાં ખેલાડીઓ, રમતવીરોને રમવા માટે સરકારી એવું એક જ રમતગમતનું મેદાન છે. જ્યાં બાળકો પોતાનું કૌવત બતાવીને વિશ્વકક્ષાએ ચમકવાના સપનાં જોઈ  રહ્યા છે. આ મેદાન ઉપર દર વખતે પોલીસ દ્વારા પરેડ ગ્રાઉન્ડ બનાવી નખાતાં ખેલાડીઓમાં રોષની લાગણી ફેલાતી હોય છે. શહેરના રમતગમત સંકુલ ખાતે દર વખતની જેમ આ વખતે નવા આઈ.જી.ના ઈન્સ્પેકશન માટે પરેડની તૈયારીઓ ચાલી રહી છે. જેના કારણે મેદાનમાં જ્યાં બાળકો રમે છે તે મેદાનની હાલત ખરાબ બનાવી દેવાઈ છે. દર વખતે આ ઈન્સ્પેકશન હોય ત્યારે રમતવીરો, ખેલાડીઓના લોહી બળી જતાં હોય છે. છેલ્લે કેટલાક સમયથી શિણાય ખાતે પોલીસનું હેડકવાર્ટર બનાવવામાં આવી રહ્યું છે. જ્યાં વિશાળ મેદાન પણ છે છતાં પણ પોલીસને લાંબા ન થવું પડે તે માટે દર વખતે અહીં જ પરેડનું આયોજન કરાય છે. આદિપુર પોલીસ લાઈનમાં પણ મોટું મેદાન છે જ્યાં હાલમાં જ પોલીસે નવરાત્રિ (ગરબી)નું આયોજન કર્યું હતું. તો શા માટે આ પરેડનું આયોજન ત્યાં નથી કરાતું તેવા પ્રશ્નો બહાર આવ્યા હતા. આ મેદાનમાં કોઇ સંસ્થા, સમાજને કોઇ પણ પ્રકારનું આયોજન કરવું હોય તો રમત વિભાગના સત્તાધિકારીઓ પાસેથી પરવાનગી લેવાની હોય છે ત્યારે આ પરેડ માટે આવી કોઇ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે કે કેમ ? તે પણ પ્રશ્ન સામે આવ્યો હતો. આગામી દશેક દિવસ સુધી સવાર અને સાંજે ચાલનાર આ પરેડના રિહર્સલના કારણે ખેલાડીઓ હતાશ થયા હતા. પોલીસના ઉપરી અધિકારીઓએ આ અંગે ધ્યાન આપી આ રિહર્સલ અન્યત્ર ખસેડે તેવી પણ માંગ કરાઇ હતી. 

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer