ડીપીટી હોસ્પિટલના સ્ટાફ વિરુદ્ધ મનમાનીનો આક્ષેપ : પગલાંની માગણી

ગાંધીધામ, તા. 15 : દીન દયાળ પોર્ટ ટ્રસ્ટ હસ્તકની હોસ્પિટલમાં ચીફ મેડિકલ ઓફિસર સહિતના તબીબી સ્ટાફ વિરુદ્ધ મનમાનીનો ગંભીર આક્ષેપ કરીને કંડલા પોર્ટ કર્મચારી સંઘ (ઇન્ટુક)એ જો કોઇ પગલાં ન લેવાય તો 24મીથી હડતાળની ચીમકી આપી છે. સંગઠનના મહામંત્રી નારી રામદાસાણી તથા ઉપપ્રમુખ રાણાભાઇ વીસરિયાની એક યાદીમાં જણાવ્યા પ્રમાણે તબીબી સ્ટાફના મનફાવે તેવા વર્તનથી ત્રાસીને આ અંગે અનેક વખત લેખિત-મૌખિક ફરિયાદો થઇ છે. પોર્ટ હોસ્પિટલનો કર્મચારી નિવૃત્ત કર્મચારીઓ, તેમના પરિવારજનો મળીને અંદાજે 26 હજાર લોકોએ સી.એમ.ઓ.ના વાણી-વર્તન અને તબીબી સ્ટાફની ઢંગધડા વિનાની સારવારથી ત્રાસીને સંગઠન પાસે ફરિયાદ કરી છે. કરોડોનું વેતન, વિવિધ સગવડ આપીને આ હોસ્પિટલ ચલાવાઇ રહી છે પરંતુ દર્દીઓને સારવારને નામે અંગુઠો બતાવાય છે. દર્દીને બહારગામ રિફર કરવા, એમ્બ્યુલન્સમાં ખસેડવા વગેરે વખતે યોગ્ય સારવારને અભાવે ઘણા મૃત્યુ થયાના બનાવ બન્યા છે. સી.એમ.ઓ. સહિત ત્રણ ત્રણ મહિલા તબીબ હોવા છતાં મહિલાઓની પણ યોગ્ય સારવાર થતી ન હોવાનું આ યાદીમાં જણાવાયું છે. નિયમ મુજબ સી.એમ.ઓ.ના પાંચ વર્ષ થઇ જતાં બદલી થવી જોઇએ પરંતુ કેટલાક અધિકારીઓએ તે અટકાવી હોવાનો પણ યાદીમાં આક્ષેપ કરાયો છે. સંગઠનના પ્રમુખ મોહનભાઇ આસવાણીએ આર.ટી.આઇ.ના માધ્યમથી શિંપિંગ મંત્રાલયમાં આ અંગે ફરિયાદ કરી છે. દોઢ મહિના પહેલાં જ ડીપીટી અધ્યક્ષને તા. 24-11થી હડતાળની નોટિસ અપાઇ છે. આવતીકાલે તેઓ ડીપીટી અધ્યક્ષ સંજય ભાટિયાને  રૂબરૂ મળીને પુન: રજૂઆત કરશે.  

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer