દીનદયાળ મહાબંદરની ખસ્તા હાલત અંગે યોગ્ય પગલાં ભરવાની રજૂઆત

ગાંધીધામ, તા. 15 :  દેશના   અવ્વલ નંબરે આવેલા  દીનદયાળ પોર્ટની વિવિધ સમસ્યાઓના મુદ્દે  કુશલ-અકુશલ  અસંગઠિત કામદાર સંગઠને   ડી.પી.ટીના ડેપ્યુટી ચેરમેન  સમક્ષ રજૂઆત કરી હતી.   પોર્ટ પ્રશાસને  વિભિન્ન પ્રકારના આ  પ્રશ્નોના યોગ્ય  ઉકેલની ખાતરી  આપી હતી.  કુશલ-અકુશલ, અસંગઠિત કામદાર પૂર્વ   પશ્ચિમ કચ્છ સંગઠન ના મહામંત્રી  વેલજીભાઈ જાટે  ડી.પી. ટી ના  ડેપ્યુટી ચેરમેન બિમલકુમાર ઝા સમક્ષ રજૂઆત કરતાં જણાવ્યું હતું કે  દીન દયાળ પોર્ટના અંદરના ભાગે  શૌચાલયની હાલત ખસ્તા બની છે, તેમજ પાણીની ટાંકી  પણ  ખાલી છે. અત્રે પેયજળની  સુવિધાના અભાવે  કામદારોને    બહારની દુકાનો સુધી જવું પડે છે. અસ્ત-વ્યસ્ત રીતે પડેલા કોલસાના કારણે પોર્ટ   કોલસાની ચાદરમાં  ફેરવાયું છે. આ જથ્થાના  રજકણોના કારણે લોકો  પોતાની ઓફિસ બંધ કરી અંદરના ભાગમાં જ કાર્ય કરી રહ્યા છે. વધુમાં  શ્રી જાટે  પોર્ટ યુઝર્સ દ્વારા  બર્થને પાણીથી  સાફ કરવામાં આવતું નથી  એવી રાવ  પણ  કરી હતી.  આ તમામ  મુદ્દા ના પ્રત્યુત્તરમાં   ડેપ્યુટી ચેરમેને  ત્વરિત ટ્રાફિક મેનેજર અને પર્સનલ લેબર  ઓફિસર સાથે વાતચીત કરી    વિવિધ પ્રશ્નોના નિવારણ માટે  બે  સભ્યોની  સમિતિની  રચના કરી  સમસ્યાના નિવારણ માટે   પ્રયાસ કરવામાં આવશે તેવી ખાતરી  આપી હતી.   સમિતિના અહેવાલ મુજબ  સફાઈ અંગે ક્ષતિ જણાશે તો તાત્કાલિક  પગલાં  ભરવામાં આવશે તેવું જણાવી કોલસાના જથ્થા અંગે શ્રી ઝાએ  ઉમેર્યું હતું કે   દેશના અન્ય બંદરે ગ્રીન ટ્રીબ્યુનલને કારણે કોલસાનું લોડિંગ અનલોડિંગ બંધ કરી દેવામાં આવ્યું છે. જેથી  કંડલામાં કોલસાના ખડકલા ખડકાયા છે.  એક મહિનામાં  આ જથ્થો  ખાલી કરી  દેવામાં આવશે.  સફાઈ  માટે અદ્યતન  મશીનરી  મગાવવામાં આવી છે. તેમજ અન્ય પ્રશ્નો ઉકેલવાની દિશામાં કાર્ય કરવામાં આવશે.   

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer