બન્નીમાં વનતંત્રની મિલકતમાં તોડફોડ કેસમાં કોંગ્રેસના આગેવાન સહિતના તમામ નિર્દોષ છૂટયા

ભુજ, તા. 15 : તાલુકાના બન્ની વિસ્તારમાં જંગલખાતાએ ઊભા કરેલા પિલર અને અન્ય વસ્તુમાં તોડફોડ સાથે નુકસાન કરવા વિશેના ફોજદારી કેસમાં કોંગ્રેસના જિલ્લા કક્ષાના આગેવાન જુમ્મા ઇશા નોડે તથા અન્ય આરોપીઓને નિર્દોષ છોડી મૂકતો ચુકાદો અદાલતે આપ્યો હતો.  કોંગી અગ્રણી જુમ્મા નોડેની આગેવાનીમાં જે તે સમયે આ ઘટનાને અંજામ અપાયો હોવાની ફરિયાદ વનતંત્ર દ્વારા કરાઇ હતી. આ કેસની સુનાવણી દરમ્યાન કુલ્લ 21 આધાર રજૂ કરાયા હતા. આરોપીઓ સામે ગુનો સાબિત કરી શકાયો ન હોવાનું તારણ આપીને કેસના તમામ આરોપીને નિર્દોષ મુકત કરતો આદેશ કરાયો હતો.બીજીબાજુ ભુજ તાલુકાના કેરા ગામે વિદ્યુત આંચકો લાગતાં આરીફ ઇસ્માઇલ સમેજાનું મૃત્યુ થવાના કિસ્સામાં મૃતકના વારસોને રૂા. ત્રણ લાખનું વળતર વ્યાજ સાથે ચૂકવવા માટે ભુજની સિવિલ કોર્ટએ આદેશ આપ્યો હતો. જેની સામે ગાવિંદ લખમણ વેકરિયાએ જિલ્લા કોર્ટ સમક્ષ અપીલ કરી હતી. આ અપીલના કેસમાં સિવિલ કોર્ટનો હુકમ કાયમ રાખી વળતર આપવા આદેશ કરાયો હતો. આ બન્ને કેસમાં આરોપી અને અરજદારોના વકીલ તરીકે વરિષ્ઠ ધારાશાત્રી અમીરઅલી એચ. લોઢિયા સાથે અન્જુમ લોઢિયા, જયવીરાસિંહ જાડેજા, દિનેશ ગોહિલ, મજીદ મણકા, કાસમ મંધરા અને ધનજી મેરિયા રહ્યા હતા.  

વળતર ચૂકવવાનો આદેશ   રાપર તાલુકામાં આડેસર નજીક ક્રિશ્ના સોલ્ટ વર્કસ નામની મીઠાની ફેકટરીમાં ઓગષ્ટ-2014માં જોરદાર પવન સાથેની વાવાઝોડાં જેવી સ્થિતિ થકી નુકસાન થવાના કિસ્સામાં ફેકટરીના માલિક અંજારના જેન્તીભાઇ રામજી પટેલને નુકસાનીની રકમ રૂા. એક લાખ વ્યાજ અને ત્રાસ તથા ખર્ચ સાથે ચૂકવવા કચ્છ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમે હુકમ કર્યો હતો. વીમા કંપનીએ વળતર માટેનો દાવો નામંજૂર કરતાં આ કેસ ફોરમ સમક્ષ લઇ જવાયો હતો. 

  ખેડુના વારસો તરફે ચુકાદો   દરમ્યાન ધરતીકંપમાં અવસાન પામેલા ખેડૂત ખાતેદાર કેસાબા વાઘજી ચાવડાના કેસમાં ખેડૂત વીમા હેઠળ વળતર ચૂકવવા ફોરમ દ્વારા આદેશ કરાયો હતો. વળતરની રકમ વ્યાજ અને ખર્ચ સાથે ચૂકવવા આ ચુકાદામાં આદેશ કરાયો હતો.  

  વાહનની નુકસાની આપવા હુકમ   ભુજના દર્શન ઉમિયાશંકર ગોરની માલિકીના વાહનને સુખપર ગામે ગ્રામજનો દ્વારા સળગાવી નાખવાના પ્રકરણમાં નુકસાનીની રકમ ત્રાસ અને અરજી ખર્ચની રકમ સાથે ચૂકવવા ફોરમે હુકમ કર્યો હતો. વીમા કંપનીએ વળતરનો દાવો નામંજૂર કરતાં આ કેસ ફોરમ સમક્ષ લઇ જવાયો હતો.  આ ત્રણેય કેસમાં અરજદારના વકીલ તરીકે વિશાલ બી. મકવાણા, ઋષિ જે. ઉપાધ્યાય, વિનય વી. પઢારિયા, સંકેત સી. જોશી અને સાજીદ આઇ. તુરિયા રહ્યા હતા.  

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer