માંડવીના દરિયામાં બોટ ઊથલી : 10નો બચાવ

માંડવીના દરિયામાં બોટ ઊથલી : 10નો બચાવ
રમેશ ગઢવી દ્વારા
કાઠડા (તા. માંડવી), તા. 7 : દિવાળીના તહેવાર વચ્ચે માંડવી દરિયાકાંઠે સહેલાણીઓનો ઘોડાપૂર ઊમટી રહ્યો છે તેની વચ્ચે આજે દિવાળીના દિવસે સવારે 11.30 કલાકના અરસામાં પ્રવાસીઓથી ભરેલી બોટ દરિયામાં વળાંક લેતાં ઊંધી વળી જતાં 10 જેટલી વ્યક્તિઓ જીવના જોખમ વચ્ચે માંડ માંડ બચી હતી. ત્યારે આ એક મોટી ઘટના બનતાં ટળી ગઇ હોવાનું ધંધાર્થીઓ અને પ્રવાસીઓમાંથી જાણવા મળ્યું હતું. મળતી માહિતી મુજબ સૌરાષ્ટ્ર, રાજકોટના અને જસદણ ગામના વતની એવી 14 વ્યક્તિઓ અહીં દિવાળીના દિવસે માંડવી દરિયાકાંઠે આવી હતી અને 10 વાગ્યાના સમયે દરિયાકાંઠે પહોંચી હતી અને 11 વાગ્યે પાંચ મુસાફર ધરાવતી બોટમાં 10 વ્યક્તિઓને બેસાડાઈ હતી અને દરિયામાં દૂર સુધી અંદર ગયા હતા અને બોટ વળાંક લઇ રહી હતી ત્યારે વજન વધુ હોતાં તરત ઊંધી વળી જતાં 15થી 60 વર્ષ સુધીના તમામ 10 જણ દરિયામાં ડૂબવા લાગ્યા હતા, જેથી આજુબાજુ વિસ્તારમાં બૂમાબૂમ થતાં બીજા બોટધારકો દ્વારા દોડીને આ પ્રવાસીઓને બચાવાયા હતા. આવા સમયે જો કોઇ સતર્કતા ન થઇ હોત તો મોટા દિવસોમાં માંડવીના દરિયાકાંઠાને કલંક લાગી ગયો હોત. બે જણ તો 55થી 60 વર્ષની વૃદ્ધ મહિલાઓ પણ સામેલ હતી, જેમને દરિયાનું વધુ પાણી પી જતાં પ્રથમ હોસ્પિટલ લઇ ગયા હતા, જ્યાં સારવાર અપાયા બાદ રજા આપી દેવાઇ હતી. પાંચની ક્ષમતા ધરાવતી બોટમાં 10 વ્યક્તિઓને વ્યક્તિ દીઠ રૂા. 100ના હિસાબે બેસાડાયા હતા, અને જ્યારે બરાબર અંદર પહોંચીને વળાંક લેતી વખતે ઊંધી વળી જતાં અમે બૂમા-બૂમ કરવા લાગ્યા હતા. ત્યારે આજુબાજુના બોટધારકોએ અમને બચાવ્યા હતા. પરંતુ અમારા મોબાઇલ, કેમેરા વગેરે આ દરિયામાં જ કયાંક ખોવાઇ ગયા હતા અને અમે નિરાધાર થઇ ગયા છીએ, ત્યારે આવી દરિયાઇ રમતો ઉપર લગામ લાગાવાય તે જરૂરી હોવાનું કહ્યું હતું. તો બીજી તરફ આ દરિયાકાંઠે વારંવાર આવા જોખમી બનાવ બન્યા કરે છે અને વર્ષમાં 7થી 8 જિંદગી ભરખાઇ જાય છે, ત્યારે વધુ જિંદગી ન હોમાય તે માટે તંત્ર જાગૃત બને તેવી માંગ કરી હતી. વધુ મળતી માહિતી મુજબ ટૂંક સમય પહેલાં કલેકટર, પ્રિન્ટ મીડિયા તથા સંબધિત તંત્ર સહિતને કોઇ જાગૃત નાગરિકે આ બોટધારકો ઉપર  લગામ લગાવાય તે માટે લેખિત અરજી પણ આપી છે. અને હાલમાં 15થી 17 બોટ આ ધંધાર્થે ચાલુ છે. જેમાં માત્ર 5થી 6 જ બોટધારકો લાયસન્સ ધરાવે છે. જ્યારે અન્ય બોટ ભગવાન ભરોસે ચાલી રહી છે, ને વળી કયારેક ધંધામાં પણ હરીફાઇના કારણે 20થી 25 બોટ કાર્યરત હોય છે. ત્યારે હરીફાઇના કારણે કોઇની જિંદગી ન હોમાઇ જાય તે માટે જરૂરી પગલાં લેવાય તે સમયની માંગ છે. તો ઘટના ઘટતાં જ પોલીસને જાણ કરાઇ હતી અને તરત ઘટના સ્થળે પોલીસે આવીને નિવેદન લીધાં હતાં તથા બોટનું નિરીક્ષણ પણ કર્યું હતું. 

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer