કચ્છના પશુઓ માટે રૂા. 21 લાખ એકત્ર

કચ્છના પશુઓ માટે રૂા. 21 લાખ એકત્ર
મુંબઈ, તા. 7 : આશાપુરા યુવા ગ્રુપ દ્વારા શરદ પૂનમની રાત્રે ગૌસેવાના લાભાર્થે ગૌ નવરાત્રિ રાસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રૂા. 21 લાખ જેટલી માતબર રકમનું દાન એકત્ર થયું હતું. જે કચ્છના માંડવી અને અબડાસાના અબોલ જીવો માટે વપરાશે. કચ્છમાં ચાલુ વર્ષે પડેલા ઓછા વરસાદનાં કારણે અછતની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જેના કારણે ગૌવંશ તેમજ અબોલ જીવો માટે ખૂબ જ કપરી સ્થિતિ ઊભી થઈ છે. જે પરિસ્થિતિને પહોંચી વળવા દેશ દેશાવરમાં રહેતા કચ્છીઓ યેનકેન પ્રકારે મદદરૂપ થાય છે. યુવાનો પણ આ દિશામાં આગળ વધી આવા ધાર્મિક, સામાજિક કાર્યો પાછળ પોતાનું યોગદાન આપી રહ્યા છે. કચ્છમાં આવતા વારંવાર દુષ્કાળ સમયે ગૌવંશ બચાવવાનું બીડું ઝડપતાં કચ્છી સમાજસેવક જયંતીલાલ જેઠાલાલ ઠક્કર (ડુમરાવાળા)ની પ્રેરણાથી ધવલ ભાનુશાલી (ધુણઈવાળા) શરદ પૂનમની રાત્રે નીલેશ ગઢવી એન્ડ ગ્રુપના સથવારે ટીપટોપ પ્લાઝા હોલ, થાણા ખાતે ગૌ નવરાત્રિ રાસ ગરબાનું આયોજન થયું હતું. આ કાર્યક્રમમાં દાતા પ્રવીણભાઈ લોડાયા, પ્રેમજીભાઈ કટારિયા (પ્રમુખ ધુણઈ ભાનુશાલી મહાજન), મહેન્દ્ર જે. ગજરા (ડાયરેક્ટર, એપીએમસી વાશી), ભાનુશાલી સેવા સમાજ મુંબઈના ટ્રસ્ટી ભરત હરિરામ ચાંદ્રા તેમજ દિનેશભાઈ ચાંદ્રા, ભાનુ ક્રાંતિ સેના મુંબઈના પ્રકાશભાઈ માવ, તપકાર ગ્રુપ-મુંબઈ, ભરતભાઈ ભાનુશાલી (ધુણઈ) વગેરે હાજર રહ્યા હતા. અધ્યક્ષસ્થાનેથી બોલતાં જયંતીભાઈએ યુવાઓ દ્વારા શરૂ કરવામાં આવેલો આ ગૌવંશ બચાવ યજ્ઞ જરૂર સફળ થશે. મહાજનોની પરંપરા અનુસાર યુવાવર્ગ પણ આ દિશામાં પહેલ કરે છે તે બિરદાવવાલાયક છે. એકત્ર થયેલા રૂા. 21 લાખ જેટલી માતબર રકમનું દાન માંડવી તેમજ અબડાસા તાલુકાના ગામોમાં ગૌવંશને ઘાસચારો પૂરો પાડવા માટે વાપરવામાં આવશે તેવું ભરત ભાનુશાલીએ જણાવ્યું હતું. ભાનુશાલી સેવા સમાજ, ભાનુ ક્રાંતિ સેનાના કાર્યકરોની સાથે હર્ષ મામોટિયા, નરેન્દ્રભાઈ માણેક, અજય ઠક્કર, નીતિનભાઈ શીર્કે, ધવલ ઠક્કર વિ. સહયોગી બન્યા હતા.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer