ગિનીસ અને લિમ્કા બુકમાં સ્થાન પામેલી કચ્છી યુવતી છવાઇ

ગિનીસ અને લિમ્કા બુકમાં સ્થાન પામેલી કચ્છી યુવતી છવાઇ
મુંબઇ, તા. 7 : સતત 101.21 કલાક સાથે ગિનીસ તથા લિમ્કા બુકમાં સ્થાન પામેલા મુશાયરામાં ચૂંટાયેલા 603 ઉર્દૂ-હિન્દી શાયરોમાં મુંબઇનાં કચ્છી જૈન શાયરા આરતી સૈયાની પસંદગી થઇ હતી. દિલ્હીમાં આયોજિત મેરેથોન મુશાયરામાં ભારતભરમાંથી ચૂંટાયેલા શાયરોએ દિવસ-રાત સતત ક્રમવાર પઠન કરી સમગ્ર મુશાયરાને ગિનીસ તથા લિમ્કા બુકમાં સ્થાન અપાવ્યું હતું. આ વિશ્વવિક્રમી મુશાયરામાં પઠન કરવા માટે કચ્છના સાભરાઇ ગામનાં જૈન સમાજનાં આરતી સૈયાની પણ પસંદગી કરાઇ હતી. તમામ શાયરો સાથે શાયરા આરતીને વિશ્વવિક્રમની ટ્રોફી, પ્રમાણપત્ર તથા માતબર ધનરાશિ આપી સન્માનિત કરાયાં હતાં. અંદાજે 20 કરોડના ખર્ચે નદીમ ફારૂખ તથા સંજય ભાટી અને એમની ટીમની અથાગ મહેનત થકી આ આખો મુશાયરો વિશ્વવિક્રમના મુકામે પહોંચ્યો હતો. આરતીબેનના પઠનના સેશન વખતે જ ગિનીસ બુકથી ફોન આવ્યો અને જાહેર થયું કે અત્યાર સુધીમાં તમે પાકિસ્તાનનો વિશ્વવિક્રમ તોડી દીધો છે. આકાશવાણીનાં આર.જે. આરતી સૈયા જૈન હોવા છતાં છેલ્લાં ત્રણ વર્ષથી ઉર્દૂ શીખી રહ્યાં છે. મુશાયરામાં પઠન કરતા પહેલાં આરતી સૈયાએ `હું જૈન સમાજથી છું, હું જૈન છું' એમ કહી પઠનની શરૂઆત કરી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer