તલાટી હડતાળના લીધે 635 ગ્રા.પં.ને તાળાબંધી

તલાટી હડતાળના લીધે 635 ગ્રા.પં.ને તાળાબંધી
ભુજ, તા. 22 : તલાટી કમ મંત્રીઓના વિવિધ પ્ર્રશ્નોના સકારાત્મક નિરાકરણ માટેની લાંબા સમયની રજૂઆતોને ધ્યાને ન લેવાતાં ગુજરાત તલાટી મહામંડળે ગત તા. 6ના ગાંધીનગરમાં આજથી અચોક્કસ મુદ્દતની હડતાળના આપેલા એલાનને કચ્છના તમામ 461 તલાટી કમ મંત્રીઓએ શિરોધાર્ય કરી 635 ગ્રામ પંચાયતોને તાળાબંધી કરી હોવાનો દાવો જિલ્લા તલાટી મંડળના પ્રમુખ રાજેન્દ્રસિંહ જાડેજાએ કર્યો હતો. આના લીધે ગ્રામીણ લોકોના રોજબરોજના મહત્ત્વના કામો રખડી પડયા હતા. શ્રી જાડેજા મહામંડળના ઉપપ્રમુખની સાથેસાથે 11,800 તલાટીઓની 11 જણની રચાયેલી રાજ્યકક્ષાની લડત સમિતિના સભ્ય છે. તેમના નેતૃત્વમાં આજે સવારથી તમામ તાલુકામથકોએ પોતપોતાની પંચાયતોની ચાવી અને સિક્કા જમા કરાવવા પહોંચી, સૂત્રોચ્ચાર સહિતના કાર્યક્રમો સાથે હડતાળનું બૂંગિયું ફૂંકયું હતું. જિ. પં.માં રિલાયન્સ હોલ ખાતે મંડળની કચેરીમાં કાલથી વોર રૂમ કાર્યરત કરી દેવાશે. `સમાન કામ સમાન દામ' પડતર માગણીઓના ઉકેલ, અન્યાય દૂર કરો જેવા મુદ્દે સૂત્રોચ્ચારથી તાલુકા પંચાયતો ગજાવી દીધી હતી. કાળી પટ્ટી ધારણ કરવી, પેન ડાઉન, માસ સીએલ અને ગાંધીનગર ખાતેના વિરોધ પ્રદર્શનને પણ સરકારે નજરઅંદાજ કર્યા બાદ તોળાયેલી અનિશ્ચિત મુદ્દતની હડતાળને પગલે સફાળી જાગેલી સરકારે આજે નર્મદા ખાતે અને બાદમાં મુખ્યમંત્રીએ કાલે બપોરે એક વાગ્યે મહામંડળને બોલાવ્યું છે. જિલ્લા પ્રમુખ રાજુભાના માર્ગદર્શન હેઠળ તાલુકા પ્રમુખ, ભુજના પ્રમુખ વી.ડી. સોલંકી, લખપતના તરુણભાઇ જોશી, અબડાસાના રાજુભાઇ ચરપોટ, માંડવીના રાઘવદાન ગઢવી, મુંદરાના મીતલદાન ગઢવી, અંજારના મનીષાબેન વેગડ, નખત્રાણાના પંડયાભાઇ, ગાંધીધામના જગદીશ ભોજાણી, ભચાઉના રઘુવીરસિંહ ઝાલા, રાપરના વિજય ગોસ્વામી સંકલન સંભાળી રહ્યા છે. હડતાળની સફળતાનો દાવો કરતાં જિલ્લા પ્રમુખ શ્રી જાડેજાને કચ્છના કાયમી ન થયેલા 200 જેટલા તલાટીને નોટિસ ફટકારાય તો કેવી અસર થાય તેવા સવાલના જવાબમાં જણાવ્યું કે છેલ્લા એક મહિનાથી રજૂઆત કરાય તો સરકાર છૂટા ન કરી શકે તેવો નિયમ છે, ઉપરાંતમાં કોઇ કાનૂની મુશ્કેલી ઊભી થાય તો હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં જવાની મંડળે તૈયારી કરી હોવાનું ઉમેર્યું હતું. જિલ્લાકક્ષાની તકેદારી સમિતિઓ રચાઇ જેમાં ટીમ-1માં આર. વી. જાડેજા, નીલકંઠ ગોસ્વામી, ડી. પી. ગોસ્વામી અને જી.પી. રાણાને ભુજ, અંજાર, ગાંધીધામ, નખત્રાણા, માંડવી, મુંદરા તાલુકા જ્યારે ટીમ-2માં એન. એચ. ભટ્ટ, એસ.એમ. જાડેજા, એન.કે. શ્રીમાળી, દર્શન જોશીને અબડાસા, લખપત, રાપર અને ભચાઉ તાલુકાની જવાબદારી સોંપાઇ છે. ઉપરાંત તાલુકાકક્ષાએ પણ તકેદારી સમિતિ રચાઇ છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer