નખત્રાણા તા. પં.માં ભાજપના બે સભ્યોનાં રાજીનામાંથી ભૂકંપ

નખત્રાણા તા. પં.માં ભાજપના બે સભ્યોનાં રાજીનામાંથી ભૂકંપ
નખત્રાણા, તા. 22 : છેલ્લા દસેક વર્ષથી નખત્રાણા તાલુકા પંચાયતમાં શાસક ભાજપના બે સભ્યો એવા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ભરતભાઇ સોમજિયાણી તથા ચંદ્રિકાબેન પટેલે સોમવારે ખૂલતી કચેરીએ એકાએક રાજીનામું ધરી દેતાં ભગવા પક્ષમાં રાજકીય ભૂકંપ સર્જાયો હતો. તો બન્ને પક્ષે નવ નવ સભ્યોની સંખ્યા રહેતાં ભાજપની સત્તા સામે જોખમ ઊભું થયું છે. નખત્રાણા તાલુકા પંચાયતમાં 20 બેઠકો છે. તેમાં 11 ભાજપ પાસે તેમજ નવ કોંગ્રેસ પાસે છે, આજે ભાજપના બે સભ્યો તાલુકા પંચાયતની 19 નંબરની મોટી વિરાણી બેઠક તેમજ બેઠક નંબર 2 નવાવાસ સભ્ય અનુક્રમે ભરત સોમજિયાણી અને ચંદ્રિકાબેન પટેલે સ્વેચ્છાએ રાજીનામું આપતાં રાજકીય હલચલ મચવાની સાથે જિલ્લા ભાજપમાં પણ ચિંતા ફરી વળી છે. રાજીનામું શા માટે આપ્યું તેવા પૂછાયેલા પ્રશ્નના જવાબમાં કચ્છમિત્ર સાથે વાત કરતાં પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ ભરત સોમજિયાણી તેમજ ચંદ્રિકાબેન પટેલે કહ્યું હતું કે, અછત, ખેડૂતોના પ્રશ્નો, નર્મદાના સિંચાઇનાં પાણી, નખત્રાણાને બાયપાસ રોડ જેવા પ્રશ્નોની વારંવાર સરકારમાં રજૂઆતો કરવા છતાં તે પ્રશ્નોનો નિવેડો નથી આવ્યો તેમજ પ્રજાકીય પ્રતિનિધિ હોવાના કારણે લોકોને જવાબો આપવા પડતા હોઇ નાછૂટકે સ્વેચ્છાએ રાજીનામું આપવું પડયું છે, તેમ છતાં પક્ષના શિસ્તબદ્ધ કાર્યકર હોઇ સત્તા વગર સેવા કરતા રહીશું તેમ ઉમેર્યું હતું. વધુમાં તેમણે આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, જિલ્લા ભાજપના પ્રમુખ તેમજ સાંસદ નખત્રાણા તાલુકાના હોવા છતાં વિકાસનાં કામો થતાં નથી, અમારી કોઇ નોંધ લેવાતી નથી. અમારા સાથે ઓરમાયું વર્તન થાય છે. માન-સન્માન ન જળવાતાં આખરે અંતિમ પગલું લેવું પડયું છે. તો આ બાબતે નખત્રાણા તાલુકા પંચાયતના પ્રમુખ નયનાબેન પટેલને પૂછતાં તેમણે કહ્યું હતું કે, સાડા સાત વર્ષ સુધી ભરતભાઇ સોમજિયાણી તાલુકા પંચાયતના પ્રમુખ હતા ત્યારે અછત સિવાયના બાકીના પ્રશ્નો હતા, તો ત્યારે રાજીનામું શા માટે ન આપ્યું ? તેવો સામો સવાલ કર્યો હતો. આંતરિક જૂથવાદથી નખત્રાણા તાલુકા પંચાયતમાં ભડકો થયો હતો તેમજ હજુ વધુ બે સભ્યોનાં રાજીનામાંની વાત અથવા અફવાના કારણે હાલ પૂરતી કોંગ્રેસ ઘેલમાં આવી ગઇ છે. તાલુકા પંચાયત હાથવેંતમાં હોવાનું સપનું જોઇ રહી છે. નખત્રાણા કોલેજ તેમજ હાઇસ્કૂલ ગ્રાન્ટેબલ ન થતાં તે પણ મહત્ત્વનો પ્રશ્ન મનાય છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer