દિવાળીમાં કચ્છને ફોર-જીની સંચાર નિગમની ભેટ

દિવાળીમાં કચ્છને ફોર-જીની સંચાર નિગમની ભેટ
ગાંધીધામ, તા. 22 : ખાનગી મોબાઈલ કંપનીઓ દ્વારા ફોર-જી નેટવર્કની સેવા અપાઈ રહી છે ત્યારે હવે સંચાર નિગમ દ્વારા પણ પોતાના ગ્રાહકોને ફોર-જી સેવા આપવા તૈયારી આદરવામાં આવી હોવાના અહેવાલો સાંપડી રહ્યા છે. મહત્ત્વની બાબત એ છે કે બીએસએનએલની આ સેવાનો રાજ્યમાં કચ્છથી આરંભ થશે. કચ્છના સંચાર નિગમના લાખો વપરાશકર્તાઓને નજીકના જ દિવસોમાં ફોર-જી સેવાનો લાભ મળશે. આ અંગે જાણવા મળતી વિગતો મુજબ, સંચાર નિગમની થ્રી-જી સેવાને ફોર-જીમાં અપગ્રેડ કરવા કચ્છમાં ટાવરોને અપડેટ કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. હાલ ગાંધીધામ, આદિપુર, અંજાર, ભચાઉ, રાપર સહિતના વિસ્તારોમાં થ્રી-જી ટાવરોને અપડેટ કરવાની કામગીરી લગભગ પૂર્ણતાના આરે છે; જ્યારે પશ્ચિમ કચ્છના નખત્રાણા સહિતના વિસ્તારોમાં પણ આ કામગીરી લગભગ પૂરી કરી દેવાઈ હોવાનું સંચાર નિગમનાં અંતરંગ વર્તુળોએ જણાવ્યું હતું. સંચાર નિગમની તૈયારી આ સપ્તાહમાં જ ફોર-જી સેવા શરૂ કરવાની હતી, પરંતુ કોઈપણ કારણોસર તે શક્ય બન્યું નથી, પરંતુ સંભવત: દિવાળી પૂર્વે ગ્રાહકોને બીએસએનએલ ફોર-જી સેવાની ભેટ આપે તેવી પૂરી શક્યતા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. કચ્છમાં સૌપ્રથમ રાપર અને ભચાઉથી આ અત્યાધુનિક સેવાનો આરંભ કરવા સંચાર નિગમે તૈયારી આદરી હોવાનું જાણકારો જણાવી રહ્યા છે. ફોર-જીમાં 8થી 10 એમબીપીએસની નેટની ઝડપ મળશે તેવો અંદાજ સૂત્રો વ્યક્ત કરી રહ્યાં છે. કચ્છમાં ફોર-જી સેવા લોન્ચ કરાયા બાદ મોબાઈલ ઈન્ટરનેટના દર લગભગ યથાવત્ જ રહેશે. તેનો કોઈ વધારાનો ચાર્જ લેવાશે નહીં. માત્ર સિમકાર્ડ લેવું પડશે. હાલ 1499માં 12 મહિના સુધી પ્રતિદિન દોઢ જીબી નેટ, અનલિમિટેડ કોલિંગ સહિતની યોજના છે. આ જ યોજના ફોર-જીમાં કન્વર્ટ થઈજશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer