રાપરનું શાંતિધામ ફરવાલાયક સ્થળ બનશે

રાપરનું શાંતિધામ ફરવાલાયક સ્થળ બનશે
રાપર, તા. 22 : અહીંની નગરપાલિકા નિર્મિત અને એક વર્ષથી શાંતિધામ વિકાસ સમિતિ સંચાલિત `શાંતિધામ' (સ્મશાન) છ માસમાં રાપર શહેરનું ફરવાલાયક સ્થળ બની જશે એવાં વિકાસકામો ચાલી રહ્યાં છે. સમિતિએ પાલિકાના ઠરાવથી સંચાલન સંભાળ્યા બાદ જૂના લાકડાંનો કચરો વિ. સાફ કરી સમથળ કરાવી પાલિકાના સહકારથી પેવર બ્લોક પાથરી સ્વચ્છ ગ્રાઉન્ડ બનાવી શૌચાલયની વ્યવસ્થા કરી છે. શાંતિધામ અંદર શંકર ભગવાનનું મંદિર દાતા નર્મદાબેન મોહનલાલ સોની તથા સહયોગી દાતા ચંદુલાલ પરષોત્તમભાઇ રાજદેના સહકારથી બની રહ્યું છે. જેની પ્રાણપ્રતિષ્ઠા એકાદ માસમાં કરાશે. વોટર કૂલર અને ફિલ્ટર સાથેની?શીતલ જલધારાનું નિર્માણ દાતા સ્વ. ચંદ્રિકાબેન પ્રભાશંકરભાઇ મારાજ પરિવારના સહકારથી પૂર્ણ થઇ ગયું છે. બાર મૂર્તિ મંદિર પણ દાતાના સહકારથી બન્યા છે. બેસવા માટે કુટિર તથા શેડ બનાવાયા છે. માઇક સ્પિકરની વ્યવસ્થા થઇ છે. ખાસ તો સમગ્ર શાંતિધામને વૃક્ષો અને ફૂલ-છોડથી એકદમ હરિયાળું બનાવ્યું છે. લાકડાં રાખવાનો રૂમ, ઓફિસ રૂમ તથા સ્ટોર રૂમને રિપેર કરી કલરકામ કરાયું છે. સમગ્ર સંકુલમાં અન્ડર ગ્રાઉન્ડ લાઇટિંગ અને પાણીની વ્યવસ્થા ઊભી કરાઇ છે. થોડા સમયમાં મંદિરની બંને બાજુ બગીચાનું પણ નિર્માણ થશે. અવાડો દાતા વિદ્યાબેન બચુભાઇ પીઠડિયાના સહકારથી બનાવાયો છે. શાંતિધામ સમિતિમાં મુકેશભાઇ ઠક્કર, ભરતભાઇ ખંડોર, પ્રકાશભાઇ દોશી, હઠુભા સોઢા, ભરતભાઇ ઠક્કર, નરશીભાઇ સરૈયા, રમેશભાઇ સોની, મેહુલભાઇ જોધપુરા, મહેશભાઇ સુથાર, વિપુલભાઇ મહેતા, યોગેશભાઇ જોષી, જયેન્દ્રભાઇ ચૌધરી, મનુભાઇ રાજગોર, રતિલાલ સોની, હિતેશભાઇ પીઠડિયા, જગદીશભાઇ સુથાર વ્યવસ્થા સંભાળે છે. બબાભાઇ મારાજ સેવા આપે છે. પાલિકા પ્રમુખ ગંગાબેન સિયારિયા તથા ટીમ અને સમગ્ર નગરજનોનો સાથ મળી રહ્યો છે.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer