કચ્છમાં 10 કેન્દ્રો પર મોબાઇલ પશુ દવાખાના મંજૂર

કચ્છમાં 10 કેન્દ્રો પર મોબાઇલ પશુ દવાખાના મંજૂર
ભુજ, તા. 22 : પ્રધાનમંત્રી ખનિજ ક્ષેત્ર કલ્યાણ યોજના ડિસ્ટ્રીકટ મિનરલ ફાઉન્ડેશન અંતર્ગત જિલ્લા પંચાયતની પશુપાલન શાખા, સઘન પશુ સારવાર અને કૃત્રિમ બીજદાન કામગીરી હેઠળ હંગામી સ્ટાફ, વાહન, દવા-ખરીદી અને નિભાવણીનું કામ જિલ્લા આયોજન કચેરી દ્વારા મંજૂર કરાયું હતું. આ કામ અંતર્ગત કચ્છ જિલ્લાના કુલ 10 કેન્દ્રો ખાતે મોબાઇલ પશુ દવાખાના અને 50 કૃત્રિમ બીજદાન કેન્દ્રોને મંજૂરી મળી છે, જે માટે હાલ કુલ પાંચ પશુચિકિત્સા અધિકારી, પાંચ એટેન્ડન્ટ કમ ડ્રેસર તેમજ 38 જેટલા કૃત્રિમ બીજદાન કાર્યકરોને હંગામી ભરતીથી કરાર આધારીત નિમણૂકપત્ર વિતરણ કાર્યક્રમ જિલ્લા પંચાયત ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમ પ્રસંગે જિ.પં. પ્રમુખ લક્ષ્મણસિંહ સોઢા, ડી.ડી.ઓ. પ્રભવ જોશી, નિયતિબેન પોકાર, કારોબારી ચેરમેન હરિભાઇ જાટિયાએ નિમણૂક પામનારાને કામગીરી ખંતથી કરવા જણાવ્યું હતું. મોબાઇલ પશુદવાખાનાઓ દ્વારા તેમના રૂટના નિયત ગામોમાં નિ:શુલ્ક સેવા અપાશે. કૃત્રિમ બીજદાન કાર્યકરો દ્વારા શુદ્ધ તેમજ શંકર કૃત્રિમ બીજદાનની કામગીરી ઉપરાંત પશુ રસીકરણ, ખસીકરણ વિ. ઉપલબ્ધ કરાશે. આ પ્રસંગે જિલ્લા પંચાયતની વિવિધ શાખાઓ પૈકીના હિસાબી અધિકારી કલ્પેશ પટેલ, આંકડા અધિકારી શ્રી ઝાલા, સમાજકલ્યાણ અધિકારી શ્રી ધ્રાગુ, મદદનીશ ખેતી નિયામક શ્રી જોશી વિ. ઉપસ્થિત રહ્યા હતા. પદાધિકારીઓ, અધિકારીઓનાં હસ્તે નિમણૂકપત્રો અપાયા હતા. નાયબ પશુપાલન નિયામક ડો. બ્રહ્મક્ષત્રીએ કાર્યક્રમની પૂર્વભૂમિકા જણાવી અગાઉ થયેલી કામગીરીની માહિતી આપી હતી. આભારવિધિ મદદનીશ પશુપાલન નિયામક ડો. આર. એન. પટેલે કરી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer