સૈન્યની પરેડમાં `ધ્યાન''ને જોડવા સલાહ

સૈન્યની પરેડમાં `ધ્યાન''ને જોડવા સલાહ
ભુજ, તા. 22 : સમર્પણ ધ્યાન યોગના પ્રણેતા સદગુરુ શિવકૃપાનંદ સ્વામીજીએ 2018નું વર્ષ રક્ષક વર્ષ તરીકે ઘોષિત કર્યું છે, જેમાં ફોજ, નેવી, એરફોર્સ, બીએસએફ, પોલીસના જવાનો ધ્યાન સાથે જોડાય તેના માટે તેમના કેમ્પસમાં ધ્યાન શિબિરનું આયોજન કરવામાં આવે, જેથી દેશના જવાનોને ધ્યાનથી થતા ફાયદાનો લાભ મળે અને જવાનો ચિંતાથી મુક્ત અને સ્વસ્થ રહી શકે. તે અંતર્ગત ભુજમાં બીએસએફની 108 નંબરની બટાલિયનના જવાનો માટે સદગુરુ શિવકૃપાનંદ સ્વામીજીના પ્રત્યેક્ષ સાંનિધ્યમાં યોગ પ્રભા ભારતી સેવા સંસ્થા ટ્રસ્ટ દ્વારા સમર્પણ ધ્યાન યોગ રક્ષક શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્વામીજીએ જણાવ્યુ હતું કે, જેવી રીતે દરેક વ્યક્તિના ફિંગરપ્રિન્ટ અલગ અલગ હોય છે તેમ વ્યક્તિનું આભામંડળ પણ અલગ અલગ હોય છે અને તે યુનિક હોય છે અને આજે વિજ્ઞાનની મદદથી આભામંડળ ને તપાસી શકાય છે. વિદેશમાં આભામંડળ તપાસી તબીબી સારવાર પણ થાય છે, જ્યારે તમે ધ્યાન સાથે જોડાવ છો. તમે ધ્યાન કરશો તો તમારું આભામંડળ મજબૂત થશે અને તમારું આભામંડળ જ તમારી રક્ષા કરશે. સૈનિકોએ દરરોજ નિયમિત અડધો કલાક ધ્યાન કરવું જોઈએ અને તે પણ અપેક્ષા વગર. ધ્યાન શિબિરની શરૂઆત બીએસએફના આર્ટિલેરીય કમાન્ડન્ટ અજિતકુમારજી, ઓફિસેટિક કમાન્ડન્ટ અતુલ યાદવજી, ઓફિસર વોટરાવિંગ કમાન્ડન્ટ સુંદરાસિંગજી, ડીસીજી હેડકવાટર અભય શાહ તથા યોગ પ્રભા ભારતી સેવા સંસ્થા ટ્રસ્ટના ડો. પ્રવીણ લીંબાણી વિગેરે અતિથિઓ દ્વારા દીપપ્રાગટયથી કરવામાં આવી હતી. બીએસએફના આર્ટિલેરીય કમાન્ડન્ટ અજિતકુમારજીએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. કાર્યક્રમનું સંચાલન કચ્છ સમર્પણ આશ્રમના પ્રચાર અધ્યક્ષ ડો. ધૈવત મહેતાએ, તો આભારવિધિ ઓફિસેટિક કમાન્ડન્ટ અતુલ યાદવજીએ કરી હતી, તેવું મીડિયા કન્વીનર શૈલેશ રૂડાણીની યાદીમાં જણાવવામાં આવ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer