માંડવીમાં દાઉદી વ્હોરા જમાત દ્વારા ધર્મના ભેદ વિના રાશનકિટ વિતરણ

માંડવીમાં દાઉદી વ્હોરા જમાત દ્વારા  ધર્મના ભેદ વિના રાશનકિટ વિતરણ
માંડવી, તા.22 : વિશ્વમાંથી ભૂખમરો નાબૂદ કરવા અને માનવ ધર્મને ઉજાગર કરવાના ઉદ્દેશથી ડો. સૈયદના આલી કદર મુફ્ફદલ સૈફુદીન મૌલા (ત.ઉ.સ)ના ફરમાનને ઝીલી અહીંની દાઉદી વ્હોરા જમાતે `પ્રોજેક્ટ રાઈસ' પ્રકલ્પનો પ્રારંભ કર્યો છે. આ અંતર્ગત વ્હોરા જમાતનાં માર્ગદર્શન હેઠળ `દાના કમિટી' દ્વારા ધર્મભેદ વિના રાશનકિટનું વિતરણ કરાયું હતું. શાંતિ, સમરસતા અને સહઅસ્તિત્વના માટે પ્રેરણારૂપ પ્રકલ્પની સમાજના વિવિધ વર્ગોમાંથી પ્રશસ્તિ થઈ હતી. વિશ્વભરમાં પથરાયેલા વ્હોરા જમાતના બિરાદરોને ધાર્મિક ઉસૂલોના જતન સાથે દેશપ્રેમ-વતનપરસ્તીના ઉપદેશ માટે વિવિધ સમાજોમાં આદરપાત્ર એવા ડો. સૈયદના સાહેબની પ્રેરણા થકી અનેકવિધ સામાજિક, રાષ્ટ્રીય, સમરસતાની ઘટનાઓ પથદર્શક બની રહી છે તેમાં એક વધું છોગું ઉમેરાયું છે. દુનિયામાં ગરીબીમાં કણસતી મોટી આબાદીને પેટના ખાડો પૂરવાના સાંસા છે. તેમાં માનવીય સંવેદનાની જ્યોત અનેકો માટે આદર્શ બની છે. ડો. સૈયદના સાહેબે પ્રોજેક્ટ રાઈસ પ્રકલ્પ દ્વારા 2030 સુધી વિશ્વને ભૂખમરામુક્ત કરવાનો સંદેશ આપ્યો છે. માનવતાના મૂલ્યોને ચરિતાર્થ કરવા ઉક્ત પ્રોજેક્ટ અંતર્ગત અત્રે દાઉદી વ્હોરા જમાતનાં માર્ગદર્શન હેઠળ `દાના કમિટી'એ ધર્મભેદ વિના ગરીબોને રાશનકિટનું વિતરણ કર્યું હતું. કાર્યક્રમમાં દાઉદી વ્હોરા જમાત વતી પ્રમુખ અતિથિ જનાબ અબ્દુલ કાદરભાઈ સાહેબ, શેખ ઓનઅલીભાઈ ડુંગરપુરવાલા, શેખ શૈફુદીનભાઈ તેરાઈ, જમાતના સેક્રેટરી, આમદભાઈ કોઠારી, સહિતના અગ્રણીઓએ દોરવણી આપી હતી. નગર સેવા સદનના પ્રમુખ મેહુલભાઈ શાહ, શહેર ભાજપના પ્રમુખ અને પૂર્વ નગરપતિ અરવિંદભાઈ ગોહિલ, નરેનભાઈ સોની, વિનોદભાઈ થાનકી, લઘુમતી સમાજના આગેવાનો અબ્દુલ્લા ઓઢેજા, અસગરભાઈ નૂરાની વગેરેએ સહયોગ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે, `દાના કમિટી' દ્વારા ઉમદા કાર્યોની સમાંતરે લગ્ન, મરણ પ્રસંગો કે જમણવારમાં બચતા ભોજનને જરૂરતમંદો લગી પહોંચતું કરાય છે. કાર્યક્રમનું સંચાલન હાતિમભાઈ ગુંદિયાળીવાળાએ કર્યું હતું. આયોજનને સફળ બનાવવા દાના કમિટીના મોહમદભાઈ મોદી, કુત્બુદીન સોડાવાલા, જૂઝરભાઈ ખોખર, હુસેનભાઈ કાઠીવાલા વગેરેએ જહેમત ઉઠાવી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer