હોકી : જાપાનની 9-0થી સજ્જડ હાર : ભારતીય ટીમની જીતની હેટ્રિક

હોકી : જાપાનની 9-0થી સજ્જડ હાર :  ભારતીય ટીમની જીતની હેટ્રિક
મસ્કત, તા. 22 : એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી હોકીમાં ભારતીય પુરુષ ટીમે જીતની હેટ્રિક કરી છે. રવિવારે રમાયેલી લીગ રાઉન્ડની ત્રીજી મેચમાં ભારતનો એશિયન ગેમ્સ ચેમ્પિયન જાપાન સામે 9-0 ગોલથી જબરદસ્ત વિજય થયો હતો. આ મેચમાં ભારત તરફથી લલિત ઉપાધ્યાયે ચોથી અને 4પમી મિનિટે, હરમનપ્રીતે 17 અને 21મી મિનિટે અને મનદીપસિંહે 49 અને પ7મી મિનિટે બે-બે ગોલ કર્યા હતા. મેન ઓફ ધ મેચ આકાશદીપે ફરી એકવાર શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 3પમી મિનિટે ગોલ કર્યો અને અન્ય ગોલ કરવામાં મહત્ત્વની ભૂમિકા નિભાવી હતી. અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે એશિયન ગેમ્સમાં લીગ રાઉન્ડમાં ભારતે જાપાનની ટીમને 8-0થી હાર આપી હતી. બાદમાં ભારતની ટીમને સેમિ.માં મલેશિયા સામે હાર મળતાં કાંસ્ય ચંદ્રકથી સંતોષ માનવો પડયો હતો. જ્યારે જાપાને ફાઇનલમાં મલેશિયાને હરાવીને ગોલ્ડ જીત્યો હતો. ભારતીય ટીમ હવે મંગળવારે વર્તમાન વિજેતા મલેશિયા સામે ટકરાશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer