રોટરી દ્વારા જમ્બો આર.ઓ. પ્લાન્ટનું લોકાર્પણ

રોટરી દ્વારા જમ્બો આર.ઓ. પ્લાન્ટનું લોકાર્પણ
ભુજ, તા. 22 : કચ્છમાં રોટરી સામાજિક જવાબદારી હંમેશાં બખૂબી નિભાવે છે. કોઇ પણ ક્ષેત્ર હોય, શિક્ષણ ક્ષેત્ર, વૈદકીય ક્ષેત્ર કે કુદરતી આફતો હોય ક્લબ હંમેશાં અગ્રેસર રહી છે તેવું અહીં હિલગાર્ડન ખાતે અઢી લાખના ખર્ચે તૈયાર થયેલા પ્રતિ કલાક બસો પચાસ લિટરની ક્ષમતા ધરાવતા જમ્બો આર.ઓ. પ્લાન્ટનું લોકાર્પણ કરતાં સાંસદ વિનોદભાઇ ચાવડાએ જણાવી આગામી સમયમાં પણ ભારત `સ્વચ્છ ભારત-સ્વસ્થ ભારત' મિશનમાં જોડાઇ વધુ ને વધુ સેવાકીય પ્રવૃત્તિઓ કરાય તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. આ પ્રોજેક્ટ સંબંધી માહિતી આપતાં રોટરી કેપિટલના ધર્મેન્દ્ર વ્યાસે જણાવ્યું કે, રોટરી ઇન્ટરનેશનલ (શિકાગો) તરફથી ગ્લોબલ ગ્રાન્ટમાંથી રૂપિયા વીસ લાખ ફાળવાતાં અહીંના હિલગાર્ડન ઉપરાંત કચ્છની અંતરિયાળ વિસ્તારની એકાવન જેટલી સ્કૂલોમાં આર.ઓ. પ્લાન્ટ બેસાડવામાં આવ્યા છે અને બે વર્ષ સુધી જાળવણીની જવાબદારી લેવાઇ છે. આ માટે રોટે. મનહર વોરાએ પૂર્ણ નિષ્ઠા અને લગનથી લાંબી વહીવટી અને તાંત્રિક પ્રક્રિયા પૂર્ણ કરી હતી. પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર જયસુખ માણેકે પૂરક માહિતી આપતાં જણાવ્યું કે, નખત્રાણા તાલુકાના મંજલ (તરા) ખાતે આ પ્રકારનો જમ્બો આર.ઓ. બેસાડી વોટર એ.ટી.એમ. ઊભું કરવામાં આવ્યું છે, જ્યાં એક રૂપિયામાં પાંચ લિટર અને પાંચ રૂપિયામાં વીસ લિટર શુદ્ધ પાણી આપવામાં આવે છે અને આ માટે ત્યાં રામદેવસિંહ જાડેજાની આગેવાની હેઠળ ગ્રામ્ય સમિતિએ જવાબદારી ઉપાડી છે. પ્રારંભમાં કલબના પ્રમુખ પ્રફુલ્લ ઠક્કરે આવકાર્યા હતા. આ પ્રસંગે પી.જી.ડી મોહનભાઇ શાહ, ભરત ધોળકિયા, દિલીપ ઠક્કર, જીતેન રેલોન, ગુલાબસિંહ જાડેજા, વોલિસટીના દત્તુ ત્રિવેદી, રાજેશ માણેક સહિત મોટી સંખ્યામાં રોટરી સદસ્યો હાજર રહ્યા હતા. વ્યવસ્થા જિજ્ઞેશ જાની અને ઉર્મિલ હાથીએ સંભાળી હતી. આભારવિધિ રોટરી ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ નવીન કંસારાએ કરી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer