ચોપડવામાં બાળકી ઉપર બળાત્કારના બનાવમાં આજીવન કેદ ફટકારાઈ

ગાંધીધામ, તા. 23 : ભચાઉ તાલુકાનાં ચોપડવામાં 7 વર્ષની બાળકી પર દુષ્કર્મના બનાવમાં અંજારની પાંચમા અધિક જિલ્લા અને સેશન્સ જજ કોર્ટ દ્વારા આરોપીને આજીવન કેદ અને રૂા. 15,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો. ચોપડવાની અંકુર સોલ્ટ ફેક્ટરીની મજૂર વસાહતમાં આ બનાવ ગત તા. 9/6/2013ની રાત્રે બન્યો હતો. એક શ્રમિક અને તેની સાત વર્ષીય દીકરી ઓરડીની આગળ આવેલા છાપરમાં સૂતા હતા. દરમ્યાન આ બનાવ બન્યો હતો. આરોપી એવો રામજતન ઉર્ફે બોથુ સાબિત રાઉત મંડલ નામનો શખ્સ અહીં આવી તેણે દુષ્કર્મના આ બનાવને અંજામ આપ્યો હતો. આ ચકચારી અને જઘન્ય બનાવ પ્રકાશમાં આવ્યા બાદ આ અંગે ભચાઉ પોલીસ મથકે ફરિયાદ થઈ હતી. આ બનાવની તપાસ કરતી પોલીસ રામજતન નામના શખ્સને ઝડપી પાડયો હતો. આ શખ્સ વિરુદ્ધ પૂરતા પુરાવા હોવાથી તેના વિરુદ્ધ તહોમતનામું રજૂ કરાયું હતું. તેમજ તા. 24/6/2015ના પોકસોની 3 અને 4 કલમનો ઉમેરો કરવામાં આવ્યો હતો. આ કેસના તમામ દસ્તાવેજી પુરાવા અને સાક્ષીઓની તપાસ કરી ન્યાયાધીશ ડી.એમ. પંચાલે આ શખ્સ રામજતનને તકસીરવાર ઠેરવ્યો હતો અને તેને આજીવન કેદ તથા રૂા. 15,000નો દંડ અને દંડ ન ભરે તો વધુ 6 માસની સજાનો હુકમ કર્યો હતો. આ કેસમાં સરકાર તરફે મદદનીશ જિલ્લા સરકારી વકીલ એવા આશિષ પી. પંડયા રહ્યા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer