કોલસાથી ફેલાતા પ્રદૂષણને લઈને કંડલા બંદરમાં કેન્દ્રીય ટુકડીએ કરેલી તપાસ

ગાંધીધામ, તા. 22 : કંડલા મહાબંદરમાં આયાતી કોલસાનો વાર્ફ ઉપર ખુલ્લામાં થતો સંગ્રહ આસપાસના વિસ્તારમાં ભારે પ્રદૂષણ ફેલાવતો હોવાની એક જાગૃત નાગરિકની ફરિયાદને પગલે આજે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (સીપીસીબી)ની એક ટુકડી મહાબંદરની તપાસમાં આવતાં બંદર પ્રશાસનમાં હડકંપ મચ્યો હતો. આયાતી કોલસાનો જેટી ઉપર સંગ્રહ થઈ રહ્યો છે, જે ખુલ્લામાં ઢગલા સ્વરૂપે હોવાથી પવનને કારણે તે આસપાસ ભારે માત્રામાં ઊડે છે. કોલસો શ્વાસમાં કે આંખમાં જવાથી કામદારો, નાગરિકોના આરોગ્ય ઉપર ગંભીર અસર કરે છે. દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ દ્વારા કામદારોના સંરક્ષણ અર્થે જરૂરી ચશ્માં કે અન્ય ચીજો પૂરી પડાતી નથી. આ બાબતે જાગૃત નાગરિક રવિન્દર સબરવાલે સી.પી.સી.બી.ના અધ્યક્ષ શ્રી પરિહારને લેખિત ફરિયાદ મોકલી હતી. આ ફરિયાદને અનુસંધાને સીપીસીબીની વડોદરા સ્થિત પશ્ચિમ ક્ષેત્રની કચેરીના શશિકાન્ત લોખંડેની આગેવાની તળે આજે એક તપાસ ટુકડી અહીં આવી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ આ ટીમે સાથે લાવેલાં યંત્રો સ્થાનિકે પોલીસ સ્ટેશનમાં બેસાડવા પણ પ્રયાસ કર્યો હતો. અલબત્ત પોલીસે પૂર્વ કરછ પોલીસવડાની મંજૂરી લાવવા જણાવી દીધું હતું. દરમ્યાન આ અંગે શ્રી લોખંડેનો ટેલિફોનિક સંપર્ક કરતાં તેમણે તપાસ માટે આવ્યાની વાત સ્વીકારી હતી. અમને અમારી વડી કચેરીથી આદેશ થતાં આ તપાસ અમે કરી છે. પ્રદૂષણને લગતી ફરિયાદ અંગે તપાસનો અહેવાલ તેઓ વડી કચેરીને સોંપશે. આ સંદર્ભ વધુ કંઈ કહેવાનું તેમણે ટાળ્યું હતું. અત્રે નોંધવું જરૂરી છે કે કોલસાની આયાતને લઈને બંદર ઉપર ઘણા પ્રશ્નો ખડા થયા છે. અગાઉના ડીપીટી અધ્યક્ષ રવિ પરમારે રૂા. 15 કરોડને ખર્ચે સ્પ્રીંકલ વ્યવસ્થા ઊભી કરવા યોજના બનાવી હતી. જેથી કોલસા ઉપર સતત પાણી છંટાતું રહે અને તે ઊડે નહીં. આમ છતાં આ યોજના હજુ ધરતી ઉપર નહીં ઊતરતાં પ્રદૂષણનો પ્રશ્ન ખડો થયો છે. દરમ્યાન શ્રી સબરવાલે કહ્યું હતું કે આ ટુકડીએ બંદર તથા આસપાસના વિસ્તારમાં બે-ત્રણ સ્થળેથી હવામાં પ્રદૂષણની માત્રા ચકાસી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer