પ્રા.શાળાની સત્રાંત પરીક્ષાના પેપરો હવે જે તે શાળા જ તપાસશે

ગાંધીનગર, તા.રર : રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાઓમાં લેવાતી પરીક્ષા પદ્ધતિમાં ધરમૂળથી ફેરફાર કરી પ્રથમ જ વખત રાજ્યની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં ધો.3થી 8ના વિદ્યાર્થીઓની કેન્દ્રીય ધોરણે કોમન પરીક્ષા લેવા માટે રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો. આગામી તા.24 ઓક્ટોબરના સમગ્ર રાજ્યની પ્રાથમિક શાળાઓમાં યોજાનારી પ્રથમ સત્રાંત પરીક્ષામાં બાહ્ય સુપરવિઝન તથા બાહ્ય મૂલ્યાંકન કરાવવા જણાવાયું હતું. શિક્ષણ વિભાગના આ નિર્ણય સામે રાજ્યભરના પ્રાથમિક શિક્ષકોમાં ઉગ્ર રોષ વ્યાપી ગયો હતો. શિક્ષકોના વિરોધના પગલે ગુજરાત રાજ્ય પ્રા. શિક્ષક સંઘ દ્વારા રાજ્યના પ્રા. શિક્ષણ નિયામક તથા શિક્ષણ સચિવ સમક્ષ દલીલો સાથે રજૂઆત કરી પરીક્ષા પદ્ધતિના ફેરફાર અંગે પુન: વિચારણા કરવા વિનંતી કરાઈ હતી. રાજ્ય સરકાર તથા શિક્ષણ વિભાગ સમક્ષ કરવામાં આવી હતી. જેને પગલે આજે શિક્ષણ મંત્રી તથા રાજ્યસંઘના હોદ્દેદારો વચ્ચે અગત્યની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં પરીક્ષામાં બાહ્ય મૂલ્યાંકનમાં ફેરફાર કરવા નિર્ણય લેવાયો હતો. હવે સત્રાંત પરીક્ષાની ઉત્તરવહીઓનું મૂલ્યાંકન બાદ 25 ટકા ઉત્તરવહીઓની પુન: ચકાસણી બાદ આપવામાં આવેલા ગુણ જે તે વિદ્યાર્થીઓ માટે આખરી ગણાશે. જો કે બાહ્ય સુપરવિઝનમાં ફેરફાર ન કરાતાં શિક્ષકોમાં છૂપો ગણગણાટ જોવા મળ્યો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer