કપાયામાં ઘરમાં ઘૂસેલા તસ્કરને પકડવા જતાં બે યુવાન ઉપર છરીથી હુમલો

ગાંધીધામ, તા. 22 : મુંદરા તાલુકાના નાના કપાયામાં આવેલી વૃંદાવન સોસાયટીના એક મકાનમાં ચોરીના ઇરાદે ઘૂસેલા ઇસમને ઘરના લોકોએ પકડી પાડયો હતો. આ ઇસમે પ્રતિકાર કરી બે યુવાનોને છરી વડે ઘાયલ કર્યા હતા, જેના પગલે આસપાસના અન્ય લોકો દોડી આવીને આ ઇસમને પકડી પાડયો હતો. નાના કપાયાની વૃંદાવન સોસાયટીમાં ભાડે રહેતા અને ભારેશ્વર ઇલેકટ્રોનિકમાં કોન્ટ્રાકટર પાસે કામ કરતા વિનીતકુમાર હરિકૃષ્ણ પટેલ, સોનેલાલ શ્રીરામ તરથપાલ સહિત 7 યુવાનો પોતાના રૂમ ઉપર હતા. આ મિત્રો રાત્રે સૂતા હતા ત્યારે 3 વાગ્યાના અરસામાં ગેલેરી વાટે થઇ રસોડાના દરવાજામાંથી સેડાતાનો રફીક ઇસ્માઇલ સમેજા નામનો ઇસમ આ ઘરમાં ઘૂસ્યો હતો. આ નિશાચર ઘરમાં રહેલા મોબાઇલ ચોરી રહ્યો હતો. દરમ્યાન આ યુવાનો જાગી જતાં તેને પકડી પાડયો હતો. તેવામાં તેણે પ્રતિકાર કરી પોતાની પાસે રહેલી છરી કાઢી હુમલો કરતાં વિનીત પટેલ અને સોનેલાલને ઇજાઓ પહોંચી હતી. દરમ્યાન આ યુવાનોએ રાડા રાડ કરતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને આ ઇસમને પક્ડી પાડયો હતો. આ બનાવમાં ઘવાયેલા બે યુવાનોને સારવાર અર્થે ખસેડાયા હતા. પકડાયેલા ઇસમને પોલીસના હવાલે કરાયો હતો. જેની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. મોબાઇલ લૂંટના આ બનાવને પગલે ભારે ચકચાર પ્રસરી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer