કંડલાની સુરક્ષા વ્યવસ્થા ચકાસવા કેન્દ્રીય આઈ.બી.ની ટીમ પહોંચી

ગાંધીધામ, તા. 22 : મહાબંદર કંડલા દેશનું પ્રથમ સ્તરનું હોવાથી તેની સુરક્ષા અતિ મહત્ત્વની છે. સુરક્ષાની આ વ્યવસ્થા ચકાસવા આજે બપોર બાદ કેન્દ્રીય ગુપ્તચર સંસ્થા આઈ.બી.ની એક ટુકડીએ મુલાકાત લીધી હતી. અલબત્ત, દિલ્હીની આ ટીમને સમર્થન આપતાં સ્થાનિક ઘટકે મુલાકાતને રૂટિન ગણાવી હતી. છેલ્લા થોડા દિવસથી દીનદયાલ બંદર (કંડલા) વિવિધ પ્રકારે સમાચારમાં રહ્યું છે. પહેલાં એમોનિયા ગેસ ગળતરને પગલે ઊતરેલી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ટીમ અને તે પછી સપ્તાહમાં કંડલા ઓઈલ જેટી આસપાસ બનેલા ધડાકાના બનાવો પ્રકાશમાં આવતાં ચકચાર પ્રસરી હતી. આજે એક તરફ, સવારે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ટીમો કંડલામાં ઊતરી હતી; તો બીજી તરફ, આઈ.બી.ની ટીમ પણ પહોંચતાં સૌના કાન સરવા થયા હતા. બંદરની સુરક્ષા વ્યવસ્થા ચકાસવા આ ટીમ પહોંચી હોવાનું કહેવાય છે, પરંતુ સ્થાનિક સૂત્રો તો દર બે વર્ષે આવી મુલાકાત થતી હોવાનું કહીને તેની ગંભીરતા તદ્દન ઘટાડે છે. કચ્છ - ગુજરાતનાં અતિ સંવેદનશીલ મથકોમાં કંડલાનો સમાવેશ હોવાથી તેની સુરક્ષા સંદર્ભે એજન્સીઓ સતર્ક રહે તે સમજી શકાય તેમ છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer