અંજારમાં ઘરમાં ચાલતું જુગારધામ ઝપટે : 12 ખેલી કાયદાના સકંજામાં

અંજારમાં ઘરમાં ચાલતું જુગારધામ  ઝપટે : 12 ખેલી કાયદાના સકંજામાં
ગાંધીધામ, તા. 21 : અંજારની ખાના શેરીમાં ભરેશ્વર રોડ, શાળા નં. 16ની બાજુમાં એક મકાનમાં પોલીસે છાપો મારી જુગારધામ પકડી પાડયું હતું. આ કાર્યવાહીમાં 12 શખ્સોની અટક કરી રોકડ રૂા. 1,35,460 હસ્તગત કરાયા હતા તો બીજી બાજુ અબડાસાના વાયોર ગામે ગંજાપાના રમતા પાંચ શખ્સોની ધરપકડ કરી પોલીસે રોકડ રૂા. 19,860 તથા 1 વાહન એમ કુલ રૂા. 29,960ની માલમતા હસ્તગત કરી હતી. અંજારની ખાના શેરી વિસ્તારમાં રહેનાર ઇકબાલ મામદ બાયડ નામનો ઇસમ પોતાના કબજાના મકાનમાં બહારથી ખેલીઓ બોલાવી તેમને જુગાર રમાવી તેમની પાસેથી નાલ ઉઘરાવતો હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે મોડી રાત્રે આ મકાનમાં છાપો માર્યો હતો. આ મકાનમાં ધાણીપાસા વડે જુગાર રમતા ઇકબાલ બાયડની સાથે નરેન્દ્રસિંહ હરિસિંહ જાડેજા, હરેશ મનજી પંચાલ મહાદેવ દેવશી પ્રજાપતિ, મહેન્દ્ર ઉર્ફે મનીષ દેવશી પ્રજાપતિ, વાઘજી રામજી પ્રજાપતિ, પ્રવીણ પૂંજાભાઇ દવે, લતીફશા મહેરશા શેખ, શંકર નારાણ પ્રજાપતિ, પરાગ વેલજી પ્રજાપતિ, જયેશ ઉર્ફે ચકો વેલજી પ્રજાપતિ, મિતેષ ઉર્ફે મલો વિષ્ણુ પટેલ નામના શખ્સોને પોલીસે દબોચી લીધા હતા. આ શખ્સો પાસેથી રોકડ રૂા. 1,53,460ની માલમતા જપ્ત કરવામાં આવી હતી. બીજી બાજુ અબડાસાનાં વાયોર ગામે સ્થાનિક પોલીસે પેટ્રોલિંગ દરમ્યાન બાતમીના આધારે દરોડો પાડીને ગંજીપાના વડે જુગાર રમી રહેલા પાંચ શખ્સને રૂા. 19,860 રોકડા અને એક બાઇક તથા ટોર્ચલાઇટ સહિત કુલ્લ રૂા. 29,960ની માલમતા સાથે પકડી પાડયા હતા. પોલીસ સાધનોએ આ વિગતો આપતાં જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલા પાંચ આરોપીમાં વાયોર ગામના મુકેશ અશોક જોશી, દેવાલાલ સહદેવ વર્મા, શિવપ્રસાદ ઇન્દ્રવદન ત્રિપાઠી, ગગનપ્રસાદ રોહિતદાસ મહંત અને રાખીરામ ગુરુદાસસંદ બટવાલનો સમાવેશ થાય છે. ફોજદાર એસ.એ. ગઢવી સાથે સ્ટાફના સભ્યો આ દરોડાની કાર્યવાહીમાં જોડાયા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer