કાલથી મા આશાપુરા વિદ્યાસંકુલનો રજતજયંતી મહોત્સવ ઉમંગે ઉજવાશે

કાલથી મા આશાપુરા વિદ્યાસંકુલનો  રજતજયંતી મહોત્સવ ઉમંગે ઉજવાશે
ભુજ, તા. 21 : અહીંની શિવશક્તિ સ્ટડી સર્કલ ટ્રસ્ટ સંચાલિત મા આશાપુરા વિદ્યાસંકુલ ટ્રસ્ટની સ્થાપનાને 25 વર્ષ પૂર્ણ થતા હોવાથી રજત જયંતી મહોત્સવની તા. 23 અને 24મી ઓકટો.ના ઉમંગભેર ઉજવણી થશે. આ રજતજયંતીના મહોત્સવની રૂપરેખા આપવા બાબતે સંકુલે બોલાવાયેલી પત્રકાર પરિષદમાં સંસ્થાના પ્રમુખ હકૂમતસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, `મણભર ઉપદેશ કરતાં કણભર આચરણનું મહત્ત્વ અનેકગણું છે.' એવું જ કંઇક વ્યક્તિત્વ હતું જિલ્લાના કેળવણીકાર, શિક્ષણ ક્ષેત્રના આજીવન સેવાના ભેખધારી સ્વ. પ્રા. વખતસિંહજી જાડેજાનું, તેમણે આ સંસ્થારૂપી વાવેલા વૃક્ષનું જતન કરવાની અમારી જવાબદારી છે. સંસ્થાના ઉપપ્રમુખ પુષ્પદાનભાઇ ગઢવીએ મા આશાપુરા વિદ્યા સંકુલની સ્થાપના અને વિકાસની વિગતો વર્ણવતાં જણાવ્યું કે, 1993માં પ્રાગમહેલ પરિસરમાં આ શાળાની શરૂઆત થઇ હતી. આ સંસ્થા પાસે કોઇપણ કાયમી ભંડોળ નહોતું પરંતુ સદ્ગત પ્રા. વખતસિંહજીની નિ:સ્વાર્થ ભાવની સેવાની પ્રવૃત્તિઓને નાણાની તંગી કયારે પણ આડે આવી નથી. મા આશાપુરા વિદ્યા સંકુલ દ્વારા ખૂબ જ રાહતદરે ફીનું ધોરણ રાખી કચ્છના મધ્યમવર્ગીય પરિવારોના બાળકોને મૂલ્યલક્ષી શિક્ષણ, સાંસ્કૃતિક પ્રવૃત્તિ, રમત ગમત, ત્રી સશક્તિકરણ માટે કરાટે તેમજ તલવારબાજીની તાલીમના વર્ગો પણ ચલાવાઇ રહ્યા છે. ઉપરાંત આગામી દિવસોમાં અહીંની લાયબ્રેરીમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓના પુસ્તકો રાખી અહીં શાંત વાતાવરણમાં તૈયારી કરી શકે તે માટે વાંચન અને લેપટોપ પર અભ્યાસ થઇ શકે તેવી સુવિધા ગોઠવાશે. વિગતો આપવામાં શ્રી ગઢવીની સાથે સંસ્થાના મંત્રી પ્રવીણસિંહ વાઢેર પણ સાથે જોડાયા હતા. ટ્રસ્ટી રાજેન્દ્રસિંહ જાડેજાએ રજતજયંતી મહોત્સવ નિમિત્તે તા. 23ના સાંજે છ વાગ્યે સંસ્થાના સંકુલમાં વિદ્યાર્થીઓ દ્વારા રંગારંગ કાર્યક્રમ યોજાશે ઉપરાંત સરસ્વતી મંદિરનું અનાવરણ, રમત ગમત સંકુલનું ઉદ્ઘાટન અને મા આશાપુરાની મહાઆરતી થશે. જ્યારે તા. 24ના બપોરે ભૂતપૂર્વ વિદ્યાર્થી સ્નેહ મિલન તથા દર વર્ષની જેમ શરદોત્સવ સાંજે 6-30 વાગ્યે યોજાશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer