ભુજમાં રાહદારી મહિલાના ગળામાંથી સોનાની ચેઇનની વધુ એક ચીલઝડપ

ભુજ, તા. 21 : શહેરમાં કેમ્પ વિસ્તારમાં માનસિક રોગની હોસ્પિટલ નજીક આજે બપોરે તાલુકાના મિરજાપર ગામનાં જમનાબેન પ્રેમજી ચાવડા નામનાં રાહદારી મહિલાના ગળામાંથી રૂા. 34 હજારના મૂલ્યની સોનાની ચેઇન અજ્ઞાત બાઇક સવાર ખેંચી જતાં પોલીસ બેડામાં દોડધામ મચી ગઇ છે. કેમ્પ વિસ્તારમાં રહેતા પોતાના ભાઇને તેમના ઘરેથી મળીને મિરજાપર જવા માટે નીકળેલાં જમનાબેન સાથે બપોરે બે વાગ્યે આ ઘટના બની હતી. અંદાજિત 20થી 25 વર્ષની વયનો અને ઠીંગણા કદનો બાઇકનો ચાલક ચેઇનની ચીલઝડપ કરી ગયો હોવાનું જમનાબેનના પુત્ર ભાવિકે ફરિયાદમાં લખાવ્યું છે. બી. ડિવિઝન પોલીસના ઇન્સ્પેક્ટર વી.કે. ખાંટે કેસની તપાસ હાથ ધરી છે. દરમિયાન, જાણવા મળતી વિગતો અનુસાર, આ પ્રકરણનો આરોપી પોલીસના હાથવેંતમાં છે. ચીલઝડપ સમયે ભોગ બનનારી મહિલાએ આરોપીની બાઇકનું ઇગ્નેશન ચાવી ફેરવીને બંધ કરી નાખતાં ચેઇન ખેંચનારો વાહન છોડી ભાગી ગયો હતો. આ પછી તે બાઇક લેવા માટે પરત બનાવના સ્થળે આવ્યો ત્યારે `નજરાઇ' ચૂક્યો હોવાનું જાણવા મળ્યું છે. આ આરોપીની વિધિવત્ ધરપકડ બાદ તેની પાસેથી આ પ્રકારના અન્ય કિસ્સાનો તાગ મળવાની સંભાવના પણ જોવાઇ રહી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer