રોહિત-વિરાટના રન ઝંઝાવાતથી વટભર્યો વિજય

રોહિત-વિરાટના રન ઝંઝાવાતથી વટભર્યો વિજય
ગૌહાતી, તા. 21 : મેન ઓફ ધ મેચ અને કેપ્ટન વિરાટ કોહલી અને વાઇસ કેપ્ટન રોહિત શર્માની આતશી સદીની મદદથી ભારતે પહેલી વનડેમાં રનનું રમખાણ સર્જીને વેસ્ટ ઇન્ડિઝ સામે 8 વિકેટે વિક્રમી વિજય મેળવ્યો હતો. ભારતે વિન્ડિઝનો 322 રનનો સ્કોર માત્ર બે વિકેટ ગુમાવીને 42.1 ઓવરમાં જ આસાનીથી પાર પાડીને રૂઆબદાર જીત મેળવી હતી. આથી કોહલીસેના પ વનડે શ્રેણીમાં 1-0થી આગળ થઇ છે. સુકાની કોહલીએ 36મી વનડે સદી ફટકારીને 107 દડામાં 21 ચોગ્ગા અને બે છગ્ગાથી લાજવાબ 140 રન કર્યા હતા; જ્યારે રોહિત શર્માએ તેની 20મી સદી ફટકારીને 117 દડામાં 1પ ચોગ્ગા અને 8 છગ્ગાથી આતશી અણનમ 1પ2 રન કર્યા હતા. બંને વચ્ચે બીજી વિકેટમાં 246 રનની ભાગીદારી થઈ હતી, જે રન લક્ષ્યાંકનો પીછો કરતાં બીજી વિકેટની બીજા નંબરની શ્રેષ્ઠ ભાગીદારી થઇ છે. આ રેકોર્ડ વોટસન-પોન્ટિંગના નામે છે. તે બંનેએ 2009માં ઇંગ્લેન્ડ સામે રનચેઝ કરતાં બીજી વિકેટમાં 2પ2 રનની ભાગીદારી નોંધાવી હતી. આજની મેચમાં બંને ટીમ તરફથી પાવરફુલ બેટિંગ થઈ હતી. કેરેબિયન બેટધર હિટમાયરની આક્રમક સદી (106) ભારતની જીતથી એળે ગઇ હતી. રન લક્ષ્યાંકનો પીછો કરતાં ભારતની આ પાંચમી શ્રેષ્ઠ જીત નોંધાઇ છે. 323 રનના વિજય લક્ષ્યાંક સામે ભારતની શરૂઆત નબળી રહી હતી. કુલ્લ 10 રન પર શિખરની વિકેટ ગુમાવી હતી. આ પછી સુકાની કોહલી અને ઉપસુકાની શર્માએ આક્રમક બેટિંગ કરીને વિન્ડિઝની બોલિંગ-ફિલ્ડિંગ છિન્નભિન્ન કરી નાખી હતી. બંને વચ્ચે બીજી વિકેટમાં 246 રનની ધસમસતી ભાગીદારીથી ભારતનો વિજય આસાન બની ગયો હતો. સ્કોર બોર્ડ વેસ્ટ ઇન્ડિઝ : કે. પોવેલ કો. ધવન બો.ખલીલ-59, હેમરાજ-બો. શમી-15, હોપ-કો. ધોની બો. શમી-32, સેમ્યુઅલ-એલબીડબલ્યુ ચહલ-0, હેટમેયર-કો. પંત બો. જાડેજા-106, આર. પોવેલ-બો. જાડેજા-22, હોલ્ડર-બો. ચહલ-38, નર્સ-એલબીડબલ્યુ ચહલ-2, બિશૂ-(નોટઆઉટ)-22, ચેમ-(નોટઆઉટ)-26, વધારાના-14, કુલ-50 ઓવરમાં 8 વિકેટે 322. વિકેટપતન : 19-1, 84-2, 86-3, 114-4, 188-5, 248-6, 252-7, 278-8. બોલિંગ : શમી : 10-0-81-2, યાદવ : 10-0-64-0, ખલીલ : 10-0-64-1, ચહલ : 10-0-41-3, જાડેજા : 10-0-66-2. ભારત ઇનિંગ્સ : રોહિત શર્મા (અણનમ) 152, શિખર ધવન બો. થોમસ 4, કોહલી સ્ટ. હોપ બો. બિશૂ 140, રાયડુ (અણનમ) 22. વધારાના 8. કુલ્લ (42.1 ઓવરમાં બે વિકેટે) વિકેટપતન : 1-10, 2-256. બોલિંગ : રોચ : 7-0-52-0, થોમસ : 9-0-83-1, હોલ્ડર : 8-0-45-0, નર્સ : 7-0-63-0, બિશૂ : 10-0-72-1, હેમરાજ : 1.1-0-9-0.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer