અબ્બાસ માત્ર 10 ટેસ્ટ બાદ ટોચના ત્રણ બોલરમાં સામેલ

દુબઇ, તા.21: યુએઇમાં તાજેતરમાં રમાયેલી ઓસ્ટ્રેલિયા વિરુદ્ધની બે ટેસ્ટની શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કરનાર પાકિસ્તાનના ઝડપી બોલર મોહમ્મદ અબ્બાસે આઇસીસી ક્રમાંકમાં લાંબી છલાંગ લગાવીને ટોચના ત્રણ બોલરમાં સ્થાન જમાવ્યું છે. અબ્બાસે ટોચના પ બોલરમાં સામેલ થવા ફકત 10 ટેસ્ટ જ રમવી પડી હતી અને હવે તે ત્રીજા ક્રમે આવી ગયો છે. ઓસિ. સામે તેણે બે ટેસ્ટમાં 17 વિકેટ લીધી હતી. તેણે 10 ટેસ્ટ બાદ જ ટેસ્ટ બોલિંગ ક્રમાંકમાં 800ની રેટિંગ હાંસલ કરીને ફિલેન્ડર અને યાસિર શાહની બરાબરી કરી લીધી છે. અબ્બાસ હવે 829 રેટિંગ સાથે ત્રીજા સ્થાને છે. જ્યારે ફિલેન્ડર 826 રેટિંગ સાથે ચોથા નંબર પર છે. પાંચમા નંબર પર ભારતીય સ્પિનર રવીન્દ્ર જાડેજા છે. જ્યારે પહેલા નંબર પર ઇંગ્લેન્ડનો અનુભવી ઝડપી બોલર જેમ્સ એન્ડરસન (899) અને બીજા નંબર પર દક્ષિણ આફ્રિકાનો કાગિસો રબાડા છે. અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે પાક.ના ઝડપી બોલર મોહમ્મદ અબ્બાસના પ્રદર્શનની વિશ્વ ક્રિકેટમાં ચોમેરથી પ્રશંસા થઇ રહી છે. ડેલ સ્ટેને કહ્યંy છે કે તે વર્તમાનનો સૌથી ખતરનાક ઝડપી બોલર છે. અબ્બાસે 10 ટેસ્ટની 19 ઇનિંગમાં કુલ પ9 વિકેટ લીધી છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer