ઝરપરા ગામે ચારણી ડાયરામાં થયેલી ગાયોના લાભાર્થે 1.25 લાખની ઘોર

ઝરપરા ગામે ચારણી ડાયરામાં થયેલી   ગાયોના લાભાર્થે 1.25 લાખની ઘોર
ઝરપરા (તા. મુંદરા), તા. 21 : રાષ્ટ્ર માટે બલિદાન આપનાર વીર શહીદ માણશી ગઢવીની ચૌદમી પુણ્યતિથિએ ઝરપરા ખાતે વિવિધ કાર્યક્રમો દ્વારા વીરાંજલિ અપાઈ હતી. માતૃવંદના ગ્રુપ આયોજિત ત્રીદિવસીય રમતોત્સવમાં કબડ્ડી, મેરેથોન દોડ, કૂદ, ગોળાફેંક, બરછી ફેંક, ચક્ર ફેંક જેવી રમતો રમાઈ હતી. ઉપરાંત માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળા, કુમાર-કન્યા શાળા, સરસ્વતી વિદ્યાલય વિ.ના 1500 જેટલા વિદ્યાર્થીઓ અને ગ્રામજનોએ એક સાથે રાષ્ટ્રગાન કરી પુષ્પાંજલિ અર્પી હતી. તે સમયે ચારણી સાહિત્યકાર આશાનંદ ગઢવી, મુંદરા તા.પં.ના ઉપાધ્યક્ષ ખેંગારભાઈ કરસન, સરપંચ સામરાભાઈ રામ, પૂર્વ સરપંચ વાલજીભાઈ ટાપરિયા, સરકારી હાઈસ્કૂલના આચાર્ય એમ.બી. ટાપરિયા, રાજદેભાઈ સેડા તથા પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. સાંજે વીરાંજલિ સભામાં નિવૃત્ત મેનેજર મોહિત સક્તાવત, પી.આઈ. એમ.એન. ચૌહાણ, પ્રખ્યાત કથાકાર કશ્યપપ્રસાદ શાત્રી અને રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના કચ્છ વિભાગના કાર્યવાહક ત્રિકમભાઈ સાંઘાએ સભાને સંબોધી હતી. ઝરપરા તથા આસપાસના ગામોના પ્રવૃત્ત અને નિવૃત્ત સૈનિકોનું સન્માન કરાયું હતું અને રમતોત્સવમાં વિજેતા ખેલાડીઓને ઈનામ અપાયા હતા. રાત્રે ઝરપરા ચારણ સમાજ આયોજિત ચારણી ડાયરામાં હરેશદાન સુરુ, ભરત ગઢવી અને ડાયાભાઈ ગઢવીએ વીરતાસભર વાતો કરી હતી. ડાયરામાં થયેલી ઘોરની રકમ રૂા. 1,25,000 ગાયોના લાભાર્થે વપરાશે. ડાયરાનું સંચાલન આશાનંદ ગઢવી, વીરાંજલિ સભાનું સંચાલન મૂળજી ગઢવીએ કર્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer