મેરી દોસ્તી, મેરા પ્યાર ગીત ભુજમાં સાર્થક થયું

મેરી દોસ્તી, મેરા પ્યાર ગીત ભુજમાં સાર્થક થયું
કૌશલ પાંધી દ્વારા ભુજ, તા. 14 : કુદરત દુ:ખ દે છે ત્યારે તેમાંથી પાર ઊતરવા ખુશ રહેવાનો સહારો પણ આપે છે. આવો જ કિસ્સો ભુજના એક યુવા ગ્રુપનો છે. એકસરખી કુદરતી ખામી ધરાવતા યુવાનોને તેમનું દુ:ખ ભૂલાવવા તેમના જેવા જ અન્ય મિત્ર સાથે મેળવી દીધા અને મેરી દોસ્તી મેરા પ્યાર ગીત સાર્થક થયું. ભુજના બસ સ્ટેશન વિસ્તારમાં વાહનો-લોકોની અવરજવર સાથેના ઘોંઘાટ વચ્ચે ચાની ચૂસ્કી સાથે પાંચેક મિત્રોની માત્ર ઇશારાની વાતો અનેકનું ધ્યાન ખેંચી રહી છે. ન સાંભળી શકે, ન બોલી શકે એવા આ મિત્રો પાસે મોબાઇલનો સદઉપયોગ પણ જોવા મળ્યો. વીડિયો કાલિંગના માધ્યમથી અન્ય સાથીઓને પણ પોતાની વાતચીતમાં સામેલ કરતાં આ મૂક-બધીર યુવાનોએ કુદરતની ક્ષતિને મ્હાત કરી બતાવી છે. ઘણી વખત બે કે ત્રણ મિત્ર એકત્ર થાય ત્યારે ઠઠ્ઠા-મશ્કરીથી આસપાસ ઊભેલાઓને માનસિક ત્રાસરૂપ થતા હોય છે ત્યારે અહીં આઠથી દશ જણની વાતચીત છતાં કોઇને પણ તસુભાર ખલેલ ન પહોંચે !!! ભુજમાં સિટી બસના ખૂણે ચાની હોટલે સાંજે દીપક વી. ગજરા, સુલેમાન સાટી, પ્રદીપ વાઘેલા, ગૌરવ જાટ અને જામીર સુમરા નામના યુવાનોની મહેફિલ જામે છે. બોલી શકતા નથી સાંભળી શકતા નથી છતાં આ મિત્રોની ખાસીયત એ છે કે, તેમણે ઇશારાની ભાષા એક-મેક પાસેથી જ શીખી છે. વળી, તેમના જેવી અધૂરાશ ધરાવનારો અન્ય કોઇ મિત્ર તેમના સાથે ભળે તો તેને પણ તેઓ વાતચીતની ભાષા શીખવી દે છે. વાહનોના ઘોંઘાટ વચ્ચે 25થી 35 વર્ષના આ યુવાનો અવાજ વિના થતી વાતચીત અહીંથી પસાર થતા રાહદારીઓને પણ ક્ષણભર તેમની આવડતને નિહાળવા તથા તેઓ શું વાતો કરતા હશે તે વિચારવા મજબૂર કરી દે છે. જો કે, આપણા માટે આ વાતો સમજવી મુશ્કેલ છે. આ યુવાનો માટે ટેકનોલોજી આશીર્વાદરૂપ બની છે. તેમના જેવી ખામી ધરાવતા અન્ય મિત્રોને પણ મોબાઇલ વીડિયો કોલના માધ્યમથી ચર્ચામાં સામેલ કરે છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer