ડી.પી.ટી.ના ફાયર વિભાગમાં વી.એચ.એફ. ઠપ

ગાંધીધામ, તા. 21 : દીનદયાલ પોર્ટ ટ્રસ્ટના અગ્નિશમન દળમાં લાંબા સમયથી સંદેશાની આપ-લે માટે મહત્ત્વની એવી વી.એચ.એફ. સેવા ઠપ હોવાના અહેવાલો સાંપડી રહ્યા છે. આ બાબતને તંત્રના જવાબદાર અધિકારીઓ ગંભીરતાથી લેતા ન હોવાના આક્ષેપો ઊઠયા છે. ગઈકાલે પોર્ટમાં ઓઈલ જેટી ખાતે જહાજમાંથી સી.પી.યુ. ઓઈલ અનલોડિંગ કરતી વખતે હોઝ પાઈપ તૂટી જતાં પ્રચંડ ધડાકો થયો હતે. આ બનાવ સમયે જ ડી.પી.ટી.ના ફાયર ફાઈટિંગ વિભાગમાં કોમ્યુનિકેશનનું અત્યંત મહત્ત્વનું માધ્યમ જ ઠપ હોવાનું બહાર આવતાં તે અત્યંત ગંભીર હોવાનું જાણકારો જણાવી રહ્યા છે. આ અંગે સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ, અગ્નિશમન દળ અને મરીન વિભાગમાં સંદેશાની સચોટ આપ-લે વી.એચ.એફ. મારફત જ થાય છે. કંડલાના ફાયર ફાઈટિંગ વિભાગમાં લાંબા અરસાથી વી.એચ.એફ.નું નેટવર્ક ખોરવાયેલું છે. આ મામલે ફાયર વિભાગના અધિકારીઓને સમયાંતરે વાકેફ પણ કરાયા છે, પરંતુ અત્યંત ગંભીર એવી આ બાબતને જવાબદારો હળવાશથી લેતા હોવાનો આક્ષેપ જાણકાર વર્તુળો કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે કંડલા બંદરે ઓઈલ જેટીમાં જહાંજમાંથી અત્યંત જ્વલનશીલ રસાયણોનું વહન પાઈપલાઈન મારફત થાય છે. આવા સમયે જો કોઈ આગ કે અન્ય દુર્ઘટનાની સમયસર જાણ ન થાય તો સમગ્ર કંડલા-ગાંધીધામ સંકુલ ઉપર મોટી આફત આવી પડે તેમ હોવાની દહેશત જાણકારો વ્યક્ત કરી રહ્યા છે. કંડલાના ફાયર વિભાગમાં સંદેશાવ્યવહારની આ ઊણપ ગાંધીધામ સંકુલના લોકો માટે ભારે ઘાતક સાબિત થાય તેમ છે. આ ઉપરાંત અત્યાધુનિક ફાયર સુવિધા ધરાવતા ડી.પી.ટી.ના અગ્નિશમન દળનાં ફાયર વાહનો પૈકી 50 ટકા જેટલાં વાહનો બંધ જેવા હોવાનો આક્ષેપ જાણકારો કરી રહ્યા છે. વાહનોની જાળવણીની જવાબદારી સંભાળતા કર્મચારી નિવૃત્ત થયા બાદ નવી કોઈ ભરતી જ ન કરાતાં વોટર ટેન્ડરોનું સમયસર જરૂરી સમારકામ પણ થતું ન હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જવાબદાર અધિકારીઓ આ મામલે ત્વરિત ઘટતી કાર્યવાહી કરે તે સમયની માંગ છે, નહીંતર સમયસર જાણકારીના અભાવે કંડલા સંકુલ મોટી આફતમાં સપડાઈ જશે. આટલા સમયથી વી.એચ.એફ. નેટવર્ક ઠપ હોવા છતાં તેને પૂર્વવત્ ન કરાતાં તંત્રવાહકો સુરક્ષાની બાબતમાં ગંભીર ન હોવાનો આક્ષેપ જાગૃત નાગરિકો ચિંતાની લાગણી સાથે કરી રહ્યા છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer