રાપરમાં પ્લાસ્ટિક વેચાણ અંગે તપાસ હાથ ધરાઈ

રાપર, તા. 21 : નગરપાલિકા દ્વારા પ્લાસ્ટિકના વેચાણ સંદર્ભે શહેરી વિસ્તારમાં તપાસ હાથ ધરાઈ હતી. સાથોસાથ શોપ્સ તેમજ પ્રોફેશનલ ટેક્સના પ્રમાણપત્રો પણ તપાસાયા હતા. કેન્દ્ર તથા રાજ્ય સરકાર દ્વારા શહેરી વિસ્તારોમાં પ્લાસ્ટિકના વેચાણ તથા ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ છે ત્યારે તાજેતરમાં મુખ્ય અધિકારી મેહુલ જોધપુરાની સૂચના અનુસાર સેલારી નાકા વિસ્તાર તથા શાકભાજીનું વેચાણ કરતા લારીઓની શોપ્સ ઈન્સ. અરવિંદગિરિ ગોસ્વામીની આગેવાની હેઠળ ધર્મેન્દ્રસિંહ જાડેજા, કુન્દનસિંહ વાઘેલા, હિતેશ પરમાર વિ.ની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરી અંદાજે 18થી 20 કિલો પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરાયો હતો. આ ઉપરાંત ગુમાસ્તાધારા શોપ્સ નોંધણી તથા પ્રેફેશનલ ટેક્સના લાયસન્સોની પણ ચકાસણી કરી લાયસન્સ તાકીદે મેળવી લેવા તથા રિન્યૂ કરાવી લેવા તાકીદ કરાઈ હતી. અન્યથા સરકારના પરિપત્રો મુજબ પેનલ્ટી ચાર્જ, દંડ વિ.ની કાયદેસર કાર્યવાહી હાથ ધરાશે. .પર્વાવરણને સ્વચ્છ અને રાપર શહેરને સંપૂર્ણ પ્લાસ્ટિક મુક્ત કરવાની આ ઝુંબેશ ચાલુ રખાશે. વિશેષમાં આગામી દિવાળી તહેવારો દરમ્યાન પણ ઝુંબેશ ચાલુ જ રહેશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer