સાંઘીપુરમ ખાતે બંધ મકાનનું તાળું તોડીને 19 હજારની રોકડ ચોરાઇ

ભુજ, તા. 21 : અબડાસામાં સાંઘીપુરમ ખાતે મૂળ પરપ્રાંતીય એવા સિમેન્ટ કંપની એકમના કામદારના બંધ મકાનનું તાળું તોડીને રૂા. 19 હજારની રોકડ રકમ કોઇ હરામખોરો ચોરી ગયા હતા. તો બીજી બાજુ ભુજ તાલુકાનાં કુકમા ગામે ડો. રમેશભાઇ મણિભાઇ પટેલના દવાખાનાની બહાર રખાયેલી કુકમા ગૌશાળા માટેની દાનપેટી તેમાં રહેલી રોકડ સાથે ઉઠાવી જવાઇ હતી. પોલીસ સાધનોએ આપેલી માહિતી મુજબ સાંઘીપુરમ ખાતે ગત શુક્રવારની રાત્રિ દરમ્યાન મૂળ ઉતરપ્રદેશના વતની એવા સાંઘી સિમેન્ટ એકમના કામદાર તપેશકુમાર શંકરનાથ તિવારીનું રહેણાકનું બંધ મકાન તસ્કરોનું નિશાન બન્યું હતું. આ વિશે લખાવાયેલી ફરિયાદને ટાંકીને પોલીસે જણાવ્યું હતું કે આ કિસ્સામાં મકાનનું તાળું તોડીને કોઇ હરામખોરો અંદર ઘૂસ્યા હતા અને ઘરમાં પડેલી રૂા. 19 હજારની રોકડ રકમ ઉઠાવી ગયા હતા. વાયોર ફોજદાર એસ.એ. ગઢવીએ બનાવની તપાસ હાથ ધરી છે. જ્યારે કુકમા ગામે ડો. રમેશભાઇ પટેલની જી.એમ.પી. હોસ્પિટલની બહાર રખાયેલી કુકમા ગૌશાળા માટેની દાનપેટી ગત તા. 13થી 20 દરમ્યાન ચોરી જવાઇ હતી. આ દાનપેટીમાં રૂા. 1500 જેવી રોકડ હોવાનું ફરિયાદમાં લખાવાયું છે. પદ્ધર પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer