મુંદરામાં પોરબંદરના યુવાનનો સરાજાહેર આપઘાત : વોંધ પાસે ટ્રક તરુણ માટે યમદૂત

ગાંધીધામ, તા. 21: મુંદરાના માંડવી ચોક આગળ જૈન દેરાસરના ગેટ સામે એક માર્ગ પર પોરબંદરના યાસિન ઉમર વાઘેલા (ઉ.વ.20) નામના યુવાને પોતાના શરીરે કેરોસીન છાંટી દીવાસળી ચાંપી પોતાનો જીવ દીધો હતો. બીજી બાજુ ભચાઉના વોંધ નજીક ચાલુ ટ્રકમાં ઊઠી ચાલવા જતાં આમારા નખત્રાણાના ઇશા પુંજાભાઇ આહીર (ઉ.વ.16) નામના કિશોરનું તથા ચોપડવા નજીક ટ્રેઇલરની હડફેટે ચડતાં માયાબેન ઉર્ફે બાઇ હકુભાઇ કોળી (ઉ.વ.19) નામની યુવતીનું મોત થયું હતું. પોરબંદરમાં રહેનાર યાસિન વાઘેલા નામનો યુવાન ગઇકાલે મુંદરા આવવા નીકળ્યો હતો. આજે સવારે આ યુવાન મુંદરા આવી પહોંચ્યો હતો. જ્યાં માંડવી ચોક નજીક જૈન દેરાસરના ગેટની સામે સૂમસામ રોડ ઉપર જઇ બોટલમાં લઇ આવેલું કેરોસીન પોતાના શરીરે છાંટી દીવાસળી ચાંપી દીધી હતી. જાહેર માર્ગ ઉપર ભડ ભડ બળતા આ યુવાનને વધુ સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. તેના સગા સંબંધીઓ અહીં આવે બાદમાં તેના આપઘાતનું કારણ બહાર આવે તેમ છે. આ યુવાન અગાઉ મુંદરામાં કામ કરી ગયો હોવાનું પોલીસે જણાવ્યું હતું. બીજી બાજુ વોંધ નજીક ગઇકાલે રાત્રે 11 વાગ્યાના અરસામાં બનાવ બન્યો હતો. સુરેન્દ્રનગરથી મુંદરા આવવા માટે ઇશા આહીર નામનો કિશોર ટ્રક નંબર જી.જે. 12 એ.વી.-9342માં સવાર થયો હતો. આ ટ્રક રાત્રે વોંધ પાસે પહોંચી ત્યારે આ કિશોર ઊંઘમાંથી ઊઠીને ચાલતી ટ્રકમાંથી નીચે કૂદી જતાં તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી જેમાં તેનું મોત થયું હતું. વધુ એક અકસ્માત ચોપડવા નજીક અંકુર કંપની સામેના રોડ પર સર્જાયો હતો. માયાબેન નામની યુવતી આજે સવારે માર્ગ ઓળંગી રહી હતી, દરમ્યાન ટ્રેઇલર નંબર જી.જે. 12 બી.વી.-8326એ તેને હડફેટમાં લેતા આ યુવતીને ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચી હતી. જેમાં તેણે દમ તોડી દીધો હતો. વાહનચાલક પોતાનું વાહન લઇને નાસી ગયો હોવાનું પોલીસે જણાવ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer