રાજ્યમાં ભુજ તપ્યું, નલિયામાં રાહત

રાજ્યમાં ભુજ તપ્યું, નલિયામાં રાહત
ભુજ, તા. 20 : કચ્છ એકતરફ આસો અડધોઅડધ વીત્યા પછીયે ઉનાળુ ઉકળાટમાં અકળાઈ રહ્યું છે, તો બીજીતરફ વહેલી સવારે પવનમાં શિયાળુ ઠંડકનો થોડોક પણ અહેસાસ થવા માંડયો છે. રણપ્રદેશમાં શનિવારે ભારોભાર વિષમતા જોવા મળી હતી. એકતરફ જિલ્લામથક ભુજ 40.4 ડિગ્રી સેલ્સિયસ સાથે સમગ્ર રાજ્યમાં સૌથી વધુ તપ્યું હતું, તો બીજીતરફ નલિયા નીચા પારે પહેલીવાર 18.4 ડિગ્રી સેલ્સિયસ સાથે સમગ્ર રાજ્યમાં સૌથી વધુ ઠર્યું હતું. જિલ્લામથક આજે 40 ડિગ્રી કરતાં ઊંચા તાપે તપ્યું હતું, તો અબડાસાના મુખ્યમથક નલિયામાં મોસમમાં પહેલીવાર પારો 20 ડિગ્રીથી નીચે સરકી જતાં હવામાં શિયાળુ ઠારની ચમક વર્તાઈ હતી. ભેજનું પ્રમાણ પણ ઘટવા માંડયું છે. સાથોસાથ પવને પણ ઉત્તર-પૂર્વની પરંપરાગત શિયાળુ દિશામાં ફૂંકાવાનું શરૂ કર્યું છે, તે જોતાં હવે દિવાળી સુધીમાં ઠંડી જામી જશે અને ઉકળાટમાં રાહત મળશે તેવી આશા લોકોમાં બંધાઈ છે. સવારે વહેલા ઊઠીને મોર્નિંગ વોક કરવાનો પ્રેરક નિત્યક્રમ પાળતા લોકોને હવે હવામાં શીતળ લહેરખીઓનો લહાવો મળવા માંડશે. ઉનાળા પછી ચોમાસામાં પણ કચ્છને કોરું રાખતાં સૂરજ જે તીવ્રતા સાથે તપ્યો છે એ જોતાં રણ જેટલું તપે તેટલું જ ઠરે, તે ન્યાયે આ વખતે ઠારની તીવ્રતા પણ તાપની જેમ જ તીવ્ર હશે તેવો દેશી વર્તારો જાણકારો આપી રહ્યા છે. ભુજ અને નલિયા ઉપરાંત જિલ્લાના અન્ય ભાગોમાં પણ રાત અને દિવસના તાપમાન વચ્ચેનું અંતર વધવા માંડયું છે, એ ધ્યાને લેતાં રાત હવે ઠરવા માંડશે તેવી શિયાળુ અસર વર્તાવા માંડી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer