ભીમાસરમાં ગામથી ધોરીમાર્ગ સુધીમાં તીસરી આંખથી મંડાઈ બાજનજર

ભીમાસરમાં ગામથી ધોરીમાર્ગ સુધીમાં  તીસરી આંખથી મંડાઈ બાજનજર
ભીમાસર, તા. 20 : અંજાર તાલુકાના આ ગામની ગ્રામ પંચાયત દ્વારા ગામની સુરક્ષા માટે પંચાયતના સ્વભંડોળમાંથી ગામના તમામ મુખ્ય રસ્તાઓ ભીમાસર ગામથી હાઈવે સુધી 45થી વધારે સી.સી. ટી.વી. કેમેરા લગાવવામાં આવ્યા છે. ભીમાસર ગામ ઈન્ડસ્ટ્રીયલ વિસ્તાર હોઈ અને પરપ્રાંતના લોકો પણ ગામમાં રહેતા હોઈ અને બહારના લોકોની પણ અવરજવર વધારે હોઈ, ગ્રામજનોની માગણી હતી કે ગામના તમામ મુખ્ય પોઈન્ટ ઉપર સી.સી. ટી.વી. કેમેરા લગાવવામાં આવે અને આ કામગીરી ગ્રામ પંચાયતના સ્વભંડોળમાંથી ગ્રામ પંચાયતે પૂર્ણ કરી છે. ભીમાસર પંચાયત દ્વારા પ્રાથમિક શાળાઓ, ધાર્મિક સ્થળો, ગામમાં આવેલા સ્ટેચ્યૂની આજુબાજુ, પંચાયત કચેરી વિસ્તાર તેમજ મુખ્ય સર્કલો ઉપર સી.સી. ટી.વી. લગાડાયા છે અને મોટાભાગનો વિસ્તાર સી.સી. ટી.વી. કેમેરાની નિરાગની હેઠળ આવરી લેવામાં આવ્યો છે. આ સી.સી. ટી.વી. કેમેરાની નિગરાની પંચાયત કચેરીમાંથી થાય તે રીતથી વ્યવસ્થા ગોઠવાઈ છે અને દરેક સી.સી. ટી.વી. કેમેરા કાર્યરત રહે તે માટે સતત નિગરાની રાખવામાં આવે છે. તાજેતરમાં પ્રાથમિક શાળામાંથી સગીર વયની બે બાળકીઓનું અપહરણ બહારના ઈસમ દ્વારા કરવામાં આવ્યું હતું. સી.સી. ટી.વી. કેમેરાની નિગરાની હેઠળ માહિતી મેળવી અને માત્ર 12 કલાકમાં જામનગર જતી બસમાંથી આમરણ નજીક પોલીસના સહકારથી બાળકીઓનો કબ્જો મેળવી લેવામાં આવ્યો હતો, જેથી સી.સી. ટી.વી. કેમેરા આજના સમયમાં ખૂબ જ ઉપયોગી બની રહે છે અને ખાસ કરીને ગ્રામ પંચાયત દ્વારા જ્યાં બહારના લોકોની વધારે અવરજવર રહે છે તેવા વિસ્તારોને ખાસ આવરી લેવામાં આવ્યા છે. આ કામગીરી માટે પંચાયતના સરપંચ દિનેશભાઈ ડુંગરિયા, ઉપસરપંચ હિરેનભાઈ, પંચાયતના તમામ સભ્યો તેમજ ગામના આગેવાનોના સહકારથી આ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે, જે બદલ પંચાયતની બોડીને વી.કે. હુંબલ, બાબુભાઈ હુંબલ તેમજ ગ્રામજનોએ અભિનંદન આપ્યાં હતાં.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer