મુંબઈ ત્રીજી વખત વિજય હઝારે ટ્રોફીમાં ચેમ્પિયન

બેંગલુરુ, તા. 20 : ભારતના સ્થાનિક ક્રિકેટમાં પોતાનો દબદબો બનાવી રાખનારા મુંબઈએ સટિક બોલિંગ અને આદિત્ય તારે તેમજ સિદ્ધેશ લાડની શાનદાર ઈનિંગની મદદથી શનિવારે દિલ્હીને ચાર વિકેટે હરાવીને ત્રીજી વખત વિજય હઝારે ટ્રોફી ઉપર કબજો કર્યો હતો. સ્થાનિક ક્રિકેટની બે દિગ્ગજ ટીમ વચ્ચે રમાયેલા મુકાબલામાં તારેના 71 રન અને લાડના 48 રનથી પહેલા મેચ બરાબરીની લાગી રહી હતી. મુંબઈએ 178 રનના જુમલાનો પીછો કરતાં 40 રનમાં જ ચાર વિકેટો ગુમાવી હતી પરંતુ બંને બેટધરોએ પાંચમી વિકેટ માટે 105 રનની ભાગીદારી નોંધાવીને જીત નિશ્ચિત કરી હતી. મુંબઈએ 35 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 180 રન કર્યા હતા અને 2006 - 2007 બાદ પહેલી વખત ટ્રોફી પોતાના નામે કરી હતી. દિલ્હીની ટીમે પહેલા બેટિંગ પસંદ કરીને 45.4 ઓવરમાં 177 રન બનાવીને ઓલઆઉટ થઈ હતી. મુંબઈના મધ્યમ ગતિના બોલર તુષાર દેશપાંડેએ બે વિકેટ, ધવલ કુલકર્ણીએ બે અને શિવમ દુબેએ ત્રણ વિકેટ ઝડપીને દિલ્હીને ઓછા સ્કોરે સમેટવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ સાથે 41 વખતના રણજી ચેમ્પિયન મુંબઈએ ત્રીજી વખત વિજય હઝારે ટ્રોફી જીતી હતી. આ અગાઉ 2003-04 અને 2006-07માં મુંબઈ વિજેતા રહ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer