તુણા બંદરે પશુ નિકાસમાં કાયદાભંગનો આક્ષેપ

રાજકોટ, તા. 20 : કચ્છનાં તુણા બંદરેથી વર્ષોથી થતી પશુઓની નિકાસમાં તદ્દન ગેરરીતિ થાય છે અને નીતિ નિયમોને નેવે મૂકવામાં આવે છે તેવો આક્ષેપ ગુજરાત રાજ્ય પ્રાણી કલ્યાણ મંડળે કર્યો છે. પ્રાણી કલ્યાણ મંડળનાં સભ્ય અને નિયામક રાજેન્દ્રભાઇ શાહે આ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિસ્તૃત રજૂઆત કરી છે. આ ઉપરાંત ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને લાગતા- વળગતા પ્રધાનોને પણ આ અંગે રજૂઆત કરી છે. તુણા બંદરેથી મુખ્યત્વે બકરા અને ઘેટાની નિકાસ કરવામાં આવે છે આ નિકાસ પાછળ બંદરને અને સરકારને મોટી ખોટ જાય છે. દાખલા તરીકે 2015/16નાં વર્ષમાં 385 વહાણો કે જહાજ દ્વારા 6,69083 પ્રાણીની નિકાસ કરવામાં આવી હતી જેની આવક માત્ર રૂા. 75,42,488 થઇ હતી, તો 2016/17 375 વહાણોમાં 7,18,528 પશુની નિકાસ થઇ હતી. 2017/18માં 349 વહાણોમાં 7,22,472 પશુની નિકાસની આવક 7,75,00,000 જ થઇ હતી. આમ, માત્ર વર્ષમાં 21,10,083 પશુની નિકાસની આવક માંડ રૂા. 4 કરોડ 25 લાખ થઇ હતી. આજે આવક થઇ છે તેમાં વાર્ફેજ ચાર્જ અને વહાણોને લગતી આવકનો સમાવેશ થાય છે. આ બંદરની મુલાકાત ગુજરાત પ્રાણી કલ્યાણ મંડળનાં સભ્ય રાજેન્દ્ર શાહની સામે નવી દિલ્હીથી ભારત પ્રાણી કલ્યાણ મંડળનાં સભ્ય કમલેશ શાહ અને રાજકોટ ખાતેનાં મંડળનાં સભ્ય મિત્તલ ખેતાણીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અહીંથી પ્રાણીઓની થતી નિકાસ કાયદા, નિયમ અને નિયમોનો છડેચોક ભંગ કરીને થાય છે. આમાં ક્રુઅલ્ટી ટુ એનિમલ એક્ટ 1960, સેન્ટ્રલ મોટર વ્હીકલ એક્ટ રૂલ્સ 1989નાં નિયમ 125-ઇ, પ્રાણીઓનાં દરિયાઇ-હવાઇ માર્ગે વહન કરવા અંગેનાં આંતરરાષ્ટ્રીય નિયમોનો ભંગ કરવામાં આવે છે. વળી, નિયમ મુજબ કોઇ ક્વોરેન્ટાઇન (સલામત આશ્રય)ને સવલત નથી. એનીમલ હેલ્થ ટેરેસ્ટરીયલ કોડનું ઉલ્લંઘન થાય છે. પશુઓની નિકાસનાં રાજ્ય નિયમો અને નિયમનોનો ભંગ થાય છે. પાનાંના ફિટનેસ સર્ટિફિકેટનું પાલન નથી થતું. નિયમ મુજબ રોજનાં 96 પ્રાણીઓને તપાસી શકાય જયારે અહીં રોજનાં હજારો પ્રાણીઓને ચકાસી લેવામાં આવે છે અને સર્ટિફિકેટ આપી દેવામાં આવે છે એમ તેમણે આક્ષેપ કર્યો હતો. તુણા બંદર માત્ર-જીવંત પ્રાણીઓની નિકાસ માટે નિભાવવામાં આવે છે અને તેના વાર્ષિક રૂા. 400થી 500 કરોડનાં ખર્ચ અને આવક માંડ રૂા. 1.75 કરોડની થઇ છે. છેલ્લાં 90 વર્ષથી તુણા બંદરેથી ઘેટા-બકરાની નિકાસ થાય છે. આ ઘેટા-બકરા રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતમાંથી લાવવામાં આવે છે. જ્યારે તુણા બંદર માત્ર ઉત્તર ભારતનાં રાજ્યોનાં પ્રાણીઓની નિકાસ માટે નિર્ધારિત થયેલું છે. દેસી વહાણમાં ઘેટા-બકરાની નિકાસ માત્ર સપ્ટેમ્બરથી મે એમ નવ મહિના સુધી જ કરવા દેવામાં આવે છે. ઘેટા-બકરાની નિકાસ માટે જરૂરી એવા કેટલાય કાયદેસરનાં દસ્તાવેજો આ બંદરે ઉપલબ્ધ નહોતા. આમાં માત્ર પશુઓની નિકાસનો પ્રશ્ન જ સંકળાયેલો નથી પણ દેશની સુરક્ષાનો પણ મોટો પ્રશ્ન અકળાવે છે. વળી, ગેરકાયદે ડ્રગ્ઝની હેરફેર, નાણાંની ગેરકાયદે હેરફેર, હથિયારોની હેરફેર અને ત્રાસવાદનો પણ સમાવેશ થાય છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer